Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

શું પાટિલને પ્રમોશન મળશે ? રાજસ્‍થાન ચૂંટણીના ઇન્‍ચાર્જ બનાવાશે ? રાજ્‍યને મળશે નવા પ્રદેશ પ્રમુખ ?

ગુજરાત ભાજપનું સુકાન અનુ.જાતિ, જનજાતિ કે ઓબીસી સમુદાયમાંથી કોઇને અપાશે ?

નવી દિલ્‍હી તા. ૨૨ : ગુજરાતમાં ભાજપને ભવ્‍ય વિજય અપાવનાર પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને હાઇકમાન્‍ડ મોટુ પ્રમોશન' આપવાની તૈયારી કરી રહ્યું હોવાનું જાણવા મળે છે. એક અહેવાલ અનુસાર આવતા દિવસોમાં રાજસ્‍થાનમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીના તેમને ઇન્‍ચાર્જ બનાવવામાં આવે તેવી શક્‍યતા છે. તેમના સ્‍થાને ગુજરાતમાં પક્ષનું સુકાન અનુ.જાતિ, અનુ.જનજાતિ કે ઓબીસી સમુદાયમાંથી કોઇને સોંપાય તેવી શક્‍યતા છે.

ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયાના એક અહેવાલ અનુસાર રાજ્‍યના ભાજપા વડા સી.આર.પાટીલને પક્ષ આ વર્ષના અંતમાં થનારી રાજસ્‍થાન વિધાનસભા ચૂંટણી માટે પક્ષના પ્રચારના ઇન્‍ચાર્જ બનાવી શકે છે. પાટીલની ૩ વર્ષની ટર્મ આ વર્ષે જુલાઇમાં પુરી થવાની છે. દરમિયાન સત્તાધારી પક્ષના રાજકીય વર્તુળોમાં એવી જોરદાર ચર્ચા ચાલી રહી છે કે જો પાટીલની ટર્મ ભાજપા પ્રદેશ પ્રમુખ તરીકે નહીં લંબાવવામાં આવે તો તેમને મોટી જવાબદારી સોંપાઇ શકે છે.

રાજકીય વર્તુળોમાં એ ચર્ચાઓ છે કે પાટીલને ગુજરાત ભાજપા પ્રદેશ પ્રમુખ તરીકે એકસટેન્‍શન મળશે પછી તેમને ગુજરાત બહાર મોટી જવાબદારી સોંપાશે. આ સાથે જ તેમનો અનુગામી કોણ હશે તે બાબતે પણ અટકળો શરૂ થઇ ગઇ છે. રાજ્‍ય ભાજપામાં એક મહત્‍વપૂર્ણ વ્‍યકિતએ દાવો કર્યો છે કે જો પક્ષની નેતાગીરી પાટીલને બદલવાનું નક્કી કરશે તો ઓબીસી, એસસી, એસટી નેતાઓમાંથી કોઇ પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવશે કેમકે પાટીલ જનરલ કેટેગરીમાંથી આવે છે. છેલ્લા ઘણાં સમયથી એવી અટકળો હતી કે ભાજપા હવે પછીના પક્ષ પ્રમુખ એસસી, એસટી કે ઓબીસી સમાજમાંથી બનાવશે.

(10:32 am IST)