Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

વિજયનગરના પોળો ફોરેસ્ટમાં નદીમાં ન્હાવા પડેલ આણંદના યુવાનનું ડૂબી જવાથી મોત

વિજયનગર : વિજયનગરના પોળો ફોરેસ્ટમાં સહેલાણીઓનો ધસારો વધ્યો છે અને પોળોની નદીમાં આણંદના નવ મિત્રો નહાવા પડયા હતા. જેમાં એક મિત્ર ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતાં મોત નિપજ્યું હતું. બે કલાકની જહેમત બાદ તરવૈયાઓએ લાશને બહાર કાઢી હતી. 

આણંદથી વિજયનગરના પોળોમાં નવ મિત્રો ફરવા આવ્યા હતા અને  પોળોમાં આવેલી નદીના ઊંડા ઝરણામાં નહાવા પડયા હતા જેમાં  નવ પૈકી એક યુવાન પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને ઘણા સમય બાદ પણ એ નહિ દેખાતાં અંતે ઈડરથી ફાયરબ્રિગેડ બોલાવી હતી અને સાથે સાથે સ્થાનિક તરવૈયાની બે કલાકની જહેમત બાદ રેસ્ક્યુ કરી લાશ કઢાઈ હતી.   પોલીસના જણાવ્યા મુજબ મૃતક યુવાનનું નામ અરસીલ સલીમભાઈ વોરા (ઉ.વ.૨૧, મીના સોસાયટી, જકાત નાકા આગળ, આણંદ દરગાહ જોડે.) ખુલ્યું હતું.બનાવના પગલે વિજયનગર પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને લાશ બહાર કાઢી એનું પોસ્ટમોર્ટમ કરાવવા મોકલી આપી હતી. 

(7:25 pm IST)