Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વરમાં મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે માનવ કલ્યાણકારી આયોજનોની વણજાર

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ SGVP અમદાવાદ દ્વારા સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે સંસ્થાના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજી તથા સ્વામી બાલકૃષ્ણદાસજીની નિશ્રામાં અનેકવિધ આયોજનો સાથે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો. જેમાં અખંડધૂન, ગૌપૂજન, રક્તદાન કેમ્પ, નેત્રરોગ કેમ્પ, આયુર્વેદ કેમ્પ, કૃષિ પ્રદર્શન, ચારધામ દર્શન જેવા વિવિધ આયોજનો થયા હતા.

આ મહોત્સવમાં વિશેષ ગૌપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂજ્ય સ્વામીજીએ ગાય દ્વારા પ્રાપ્ત થતા પંચગવ્યનો મહિમા અને ગૌ આધારિત ખેતીથી થતા ફાયદાનું વિવેચન કર્યું હતું. સ્વામીજીએ જણાવ્યું હતું કે, એક ગાય કેવળ ગોબર અને ગૌમૂત્ર આપે છતાં એ ગાયને સાચવવી ક્યારેય મોંઘી ન પડે. એક ગાયના ગૌમુત્ર તથા છાણથી પાંચ-સાત વિઘા જમીન ખૂબ સારી રીતે ફળદ્રુપ થઈ શકે છે. આવું કરવાથી આપણે ઝેરી દવાઓથી થતાં નુકશાનથી બચીશું અને ગૌપરંપરા જળવાઈ રહેશે.

વિશેષમાં આ મહોત્સવ પ્રસંગે દેશ-વેદેશથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. સ્વામીજીએ યજમાન તરીકે જોડાયેલા ભક્તોને પાઘ બંધાવી શુભાશીર્વાદ પાઠવ્યા હતા.             

(12:54 pm IST)