Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

કચ્‍છ જિલ્લામાં ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવા રાજય સરકાર કોઈ કચાશ રાખશે નહીં : મંત્રી ઋષિકેશભાઇ પટેલ

કચ્‍છ શાખા નહેરના રૂ. ૫,૮૧૮ કરોડના કામો પૂર્ણ : ત્રણ તબક્કામાં પંપીંગ સ્‍ટેશન માટે રૂ. ૧,૪૪૫ કરોડનો ખર્ચ : કચ્‍છ જિલ્લાના ખેડૂતો-નાગરિકોને પીવાનું પાણી સિંચાઈ સુવિધા માટે એકતાનગરથી મૂળકૂબા ગામ સુધી ૭૪૩ કિ.મી. લંબાઇની કચ્‍છ કેનાલ દ્વારા પાણી પહોંચતું થયું: કચ્‍છ જિલ્લાની ભૌગોલિક સ્‍થિતિ અનુસાર ત્રણ પંપીંગ સ્‍ટેશનનો દ્વારા અંદાજે ૧૮.૭૨ મીટર ઊંચાઈથી ઉદ્ધવહન કરી પાણી પહોંચતું કર્યું : દુધઈ કેનાલની કામગીરી ટેન્‍ડર પ્રક્રિયા હેઠળઃ ટૂંક સમયમાં કામ શરૂ થશે

રાજકોટ,તા. ૨૪ : ગુજરાત વિધાનસભા ખાતે કચ્‍છ જિલ્લામાં પાણી પહોંચાડવા પંપીગ સ્‍ટેશન અંગેના પ્રશ્નના પ્રત્‍યુત્તરમાં મુખ્‍યમંત્રીશ્રી વતી જવાબ આપતા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્‍યું છે કે, કચ્‍છ એટલે પાણીની અછત ઘરાવતો જિલ્લો એ વાત હવે ભૂતકાળ બની ગઈ છે. તત્‍કાલીન મુખ્‍યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત આયોજનના પરિણામે આજે કચ્‍છ જિલ્લો નવસર્જિત બનીને હરિયાળો બન્‍યો છે. છેક એકતાનગરથી લઈને કચ્‍છના મૂળકૂબા ગામ સુધી ૭૪૩ કિ.મીની લંબાઈ ધરાવતી કેનાલ દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે અને નાગરિકોને પીવાનું પાણી પહોંચતું થયું છે.

તેમણે ઉમેર્યું કે, કચ્‍છ શાખા નહેર દ્વારા કચ્‍છ જિલ્લામાં પીવાનું પાણી અને સિંચાઈની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ કેનાલ પર ત્રણ પંપીંગ સ્‍ટેશન પર અંદાજે ૧૮.૭૨ મીટરની ઊંચાઈએથી પાણી ઉદ્ધવહન કરીને પહોંચાડાય છે.

તેમણે ઉમેર્યું કે, કચ્‍છ શાખા નહેર દ્વારા કચ્‍છ જિલ્લામાં પાણી પહોંચાડવા ત્રણ સ્‍થળે પંપીંગ સ્‍ટેશનનો બનાવ્‍યા છે જે પૈકી પંપીંગ સ્‍ટેશન-૧ અને પંપીંગ સ્‍ટેશન-૨ પ્રત્‍યેક ઉપર ૨૦ ક્‍યુમેકની ક્ષમતાના ૮ પંપ અને ૬ ક્‍યુમેકસની ક્ષમતાના ૩ પંપ રાખવામાં આવ્‍યા છે તથા પંપીંગ સ્‍ટેશન-૩ ઉપર ૨૦ ક્‍યુમેકસની ક્ષમતાના ૬ પંપ અને ૬ ક્‍યુમેકરની ક્ષમતાના ૩ પંપ રાખવામાં આવ્‍યા છે. જેની પાછળ રૂપિયા ૨૦૭.૨૩ કરોડનો ખર્ચ કરાયો છે.

તેમણે ઉમેર્યું કે, કચ્‍છ શાખા નહેર માટે તા. ૩૧/૧૨/૨૦૨૨ની સ્‍થિતિએ અત્‍યાર સુધીમાં રૂ. ૫,૮૧૮ કરોડનો ખર્ચ કરીને કચ્‍છ જિલ્લાને પીવાના પાણી અને સિંચાઈની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. જેમાં બ્રાન્‍ચ, પેટા શાખા, પમ્‍પીંગ સ્‍ટેશન, કમાન્‍ડ એરિયા વિસ્‍તારના વિકાસ માટેના કામો હાથ ધર્યો છે. આ ઉપરાંત દૂધઈ કેનાલ માટેના કામોના ટેન્‍ડર બહાર પાડવામાં આવ્‍યા છે. આ કેનાલ માટે ભૌગોલિક વિસ્‍તારને અનુરૂપ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે જેમાં સંપૂર્ણ અભ્‍યાસ બાદ યોગ્‍ય નિર્ણય લઈને સત્‍વરે કામ શરૂ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

કચ્‍છ જિલ્લામાં પાંચ વર્ષ અંતર્ગત લીંકીંગ સુવિધા થકી પાણી પહોંચાડવામાં રૂ. ૩૫૭નો ખર્ચ કર્યો છે ઉપરાંત વધારાના એક મિલિયન એકર નર્મદાનું પાણી કચ્‍છ જિલ્લાને આપવા માટેનો નિર્ણય કરાયો છે આ માટે પણ પંપીંગ સ્‍ટેશનની કેપેસિટી વધારવાની જરૂરિયાતોને ધ્‍યાને લઈને રાજય સરકાર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

(4:56 pm IST)