Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

અમદાવાદ જીલ્લાના અસલાલીની હદના બારેજાના નવાગામમાં ગેસ લિકેજની દુર્ઘટનામાં મૃત્‍યુઆંક 9 : કોની બેદરકારીથી દુર્ઘટના સર્જાઇ તેની તપાસ કરાશે

હજુ એક વ્‍યકિત 70 ટકાથી વધુ દાઝી ગયેલ હાલતમાં સારવારમાં

અમદાવાદ : અમદાવાદ ગ્રામ્યના અસલાલીની હદમાં આવતા બારેજાના નવા ગામ ખાતે આવેલા શ્રીજી પ્લોટની પાછળની તરફ ઓરડીઓ આવેલી છે. આ ઓરડીમાં મંગળવારની રાત્રે સુતા હતા ત્યારે રાત્રે એકાદ વાગ્યે અચાનક ગેસ લિકેજની દુર્ગંધ આવી હતી. તે દરમિયાન અચાનક ગેસની દુર્ગંધ પ્રસરી જતા બાજુની રૂમમાં રહેતા પરિવારજનોએ જાણ કરી હતી. આ અંગે ખ્યાલ આવતા ઓરડીમાં સુઇ રહેલા અન્ય સભ્યએ પ્રસરી રહેલી દુર્ગંધ બંધ કરવા અને ખાત્રી કરવા માટે ઓરડીની લાઇટ શરૂ કરી હતી.

જો કે પહેલાથી જ મોટા પ્રમાણમાં ઓરડીમાં પ્રસરી ગયેલા ગેસ અને ઇલેક્ટ્રિસિટીના સ્પાર્કના કારણે ભયાનક બ્લાસ્ટ થયો હતો. જોતજોતામાં ઓરડીમાં સુતેલા 10 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તાત્કાલિક તેઓને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં શનિવાર સુધીમાં 9 લોકોના મોત નિપજ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ઘટનાની જાણ થતાં પહેલાં 108 ને ફોન કરાયો હતો પરંતુ ફાયર બ્રિગેડ (Fire Brigade) ને જાણ કરવામાં આવી ન હતી. કારણ કે તમામ લોકોને પહેલાં સારવારની જરૂર હતી. બીજી તરફ અસલાલી પોલીસને જાણ થતાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો.

આ પ્લોટ મૂળ કનુભાઈ પટેલનો છે, જેમાં મંડપ સર્વિસનું કામ કરે છે. અને અહીં અલગ અલગ જગ્યા અલગ અલગ લોકોને ભાડે આપી છે. ઘટના બની તે ઓરડીઓનો ભાગ કેદારનાથ એન્ટરપ્રાઇઝને આપવામાં આવ્યો હતો. જે લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરે છે અને પાંચ ઓરડીઓ બે હજારના ભાડા પર લીધી હતી.

વીસેક દિવસથી આ ઓરડીઓ ભાડે લઈ પોલીસ સ્ટેશનમાં ભાડા બાબતની નોંધ કરાવવાની જવાબદારી તેઓએ લીધી હતી. જોકે અહીં ન તો ફાયર સેફટી હતી કે અન્ય કોઇ સુવિધા ન હતી. ત્યારે અકસ્માત મોતની તપાસમાં કોની બેદરકારી સામે આવે છે તે તપાસનો વિષય છે.

હજુ પણ એક વ્યક્તિ સારવાર હેઠળ છે. જેને 70 ટકાથી વધુ અસર થઈ છે. જે હાલ સિવિલના બર્ન્સ વિભાગમાં સારવાર હેઠળ છે. ત્યારે અહીં કોની બેદરકારી હવે પોલીસ તપાસમાં સામે આવેશે અને પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે.

(4:11 pm IST)