Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

સુરતની લાજપોર જેલમાં હાથ ધરવામાં આવેલ સરપ્રાઈઝ ચેકિંગમાં એકજ બેરેકમાં બે કેદીઓ પાસેથી સીમકાર્ડ સહીત મોબાઈલ મળી આવ્યો હોવાની માહિતી

સુરત: લાજપોર મધ્યસ્થ જેલમાં ગત રોજ જેલ જડતી સ્કવોર્ડ દ્વારા હાથ ધરવામાં આવેલા સરપ્રાઇઝ ચેકીંગમાં એક જ બેરેકમાં રહેતા બે કાચા કામના કેદી પાસેથી સીમકાર્ડ સહિતનો મોબાઇલ ફોન મળી આવતા સચિન પોલીસમાં બંને કેદી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. રાજયની અત્યંત આધુનિક ગણાતી લાજપોર મધ્યસ્થ જેલમાંથી પ્રતિબંધિત એવો મોબાઇલ ફોન મળવાનો સિલસીલો યથાવત રહેવા પામ્યો છે. ગત સાંજે જેલના જડતી સ્કવોર્ડ દ્વારા જેલમાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત યાર્ડ નં. એ/5 ના બેરેક નં. 1 માં બિપીન બ્રહ્મદેવ મહેતા અને દિનેશ ગજેન્દ્ર મોહિતે નામના કાચા કામના કેદીના બિસ્તરમાંથી સીમકાર્ડ સહિતનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જડતી સ્કોર્ડે મોબાઇલ કબ્જે લઇ સચિન પોલીસ સ્ટેશનમાં બંને કેદી જેલમાં પ્રતિબંધિત એવા મોબાઇલ ફોનના વપરાશ અંગે ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે જેલમાંથી સતત ત્રીજી વખત કેચોડા કંપનીનો મોબાઇલ ફોન મળ્યો છે જેથી પ્રતિબંધિત એવા મોબાઇલ ફોન ઘુસાડવામાં ચૌક્કસ વ્યક્તિઓની સંડોવણી હોવાનું સ્પષ્ટ થઇ રહ્યું હતું. બીજી તરફ આ વખતે સીમકાર્ડ સહિતનો મોબાઇલ ફોન મળ્યો હોવાથી જો તેના કોલ ડિટેઇલ્સના આધારે તપાસ કરવામાં આવે તો તેનો કોણે-કોણે ઉપયોગ કર્યો છે તે જાણી શકાશે. ઉપરાંત જેલમાં બેઠા-બેઠા કોઇ ગુનાહિત પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે કે નહીં તેનો પણ પર્દાફાશ થઇ શકે એમ છે. 

(6:00 pm IST)