Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

ખુંખાર ગુનેગારોએ પોલીસને ઘેરી તમંચો તાક્યો :આણંદના ભાલેજ પાસે પેટ્રોલપંપ પર લુંટ કરવા જતા ગુનેગારોના બે સાગરીતો ઝડપાયા

--ટોળકીનાં વધુ ચાર સાગરીતોનાં નામ ખુલ્યા :રાજસ્થાનમાં અનેક ગુનાઓમાં વોન્ટેડ :એસઓજી પોલીસને મોટી સફળતા

આણંદ : જિલ્લામાં ભાલેજ પાસે આવેલા પેટ્રોલપંપ પર લુંટ કરવા જઈ રહેલા આંતરરાજય ગુનેગારોની ટોળકીનાં બે સાગરીતોને આણંદની એસઓજી પોલીસે ઝડપી પાડ્યા હતા. પુછપરછ કરતા તેઓની ટોળકીનાં વધુ ચાર સાગરીતોનાં નામ ખુલ્યા હતા. તેઓ રાજસ્થાનમાં અનેક ગુનાઓમાં વોન્ટેડ હોવાનું સામે આવતા એસઓજી પોલીસે બન્ને આરોપીઓની ઝીણવટભરી પુછપરછ હાથ ધરી છે.

  આણંદની એસઓજી પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, એક નંબર પ્લેટ વગરની સફેદ રંગની એકટીવા મોપેડ પર બે પરપ્રાંતિય શખ્સો પોતાની પાસે લોડેડ તમંચા અને મારક હથીયારો સાથે કોઈ ગુનાહીત કૃત્યને અંજામ આપવા માટે સામરખાથી ભાલેજ થઈને ઓડ તરફ જઇ રહ્યા છે. જે બાતમીનાં આધારે એસઓજી પોલીસ ભાલેજ ઓડ રોડ પર આવેલી રેલ્વે ફાટક પાસે ગોઠવાઈ ગયા હતા. બાતમી મુજબ એકટીવા મોપેડ આવતા વોચમાં રહેલી પોલીસે એકટીવા મોપેડને રોકવાનો પ્રયાસ કરતા એકટીવા ચાલકએ પોતાનું મોપેડ પુરઝડપે હંકારી મુકયું હતું. જેથી પોલીસે પીછો કરીને એકટીવા મોપેડને ધક્કો મારીને પાડી દેતા એકટીવા મોપેડ ચાલક અને પાછળ બેઠેલો શખ્સ રોડ પર પડી ગયા હતા. આ સમયે એક શખ્સે દેશી હાથ બનાવટનો તમંચો કાઢતા તેમજ બીજાએ ધારદાર છરો કાઢતા પોલીસે તમંચો અને છરો ઝુંટવવા જતા બન્ને શખ્સોએ ઝપાઝપી કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે બંન્નેને ઝડપી લીધા હતા.

(11:23 am IST)