Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

મગફળી ખરીદીની ૪૦ ટકા જેટલી કામગીરી પૂર્ણઃ તેડાવ્યા તે પૈકી ૯ ટકા ખેડૂતોએ મગફળી વેંચી

કુલ માન્ય નોંધણી ૨,૨૭,૧૩૬: આજ સુધીમાં મેસેજ મોકલ્યા ૮૫૨૪૮: મગફળી વેચનાર ખેડૂતો ૭૯૩૧

રાજકોટ, તા. ૨૪ :. સરકાર દ્વારા ગઈ તા. ૯ લાખ પાંચમથી શરૂ થયેલ મગફળીની ખરીદી ક્રમશઃ આગળ વધી રહી છે. આજે બપોર સુધીમાં કુલ કરવા ધારેલી કામગીરી પૈકી ૪૦ ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જેટલા ખેડૂતોને મગફળી લઈને આવવા મેસેજ મોકલવામાં આવેલ તે પૈકી ૯ ટકા જેટલા જ ખેડૂતો મગફળી લઈને આવ્યા છે. સરકાર અત્યાર સુધીમાં ૮૪૧૮.૯૧ લાખ રૂપિયાની મગફળી ખરીદી લીધી છે. મગફળી લઈને જે ખેડૂતો આવેલા તે પૈકી ૩૩૮ ખેડૂતોની મગફળી માન્ય ગુણવત્તા મુજબની ન હોવાથી સરકારે ખરીદી નથી. નાગરીક પુરવઠા નિગમે ૯૦ દિવસ સુધી ખરીદી કરવાનું જાહેર કર્યુ છે તે ૬૦ દિવસ સુધીમાં પૂર્ણ થઈ જાય તેવી ધારણા છે.

પુરવઠા નિગમની યોજના મુજબ ઓકટોબરમાં ૧ મહિનો ઓનલાઈન રજીસ્ટ્રેશન થયેલ. તે વખતે ૨૬૫૫૫૮ ખેડૂતોએ મગફળી વેચવા નોંધણી કરાવેલ. જેમાંથી ૨,૨૭,૧૩૬ ખેડૂતોની નોંધણી માન્ય રહેલ. અન્ય ૩૮૪૨૨ ખેડૂતોની નોંધણી અધુરા અથવા અયોગ્ય દસ્તાવેજી પુરાવાના કારણે સ્થગિત કરવામાં આવેલ છે. હાલ ૧૧૯ કેન્દ્રો પર રાજ્યવ્યાપી ખરીદી થઈ રહી છે. આજે બપોર સુધીમાં ૮૫૨૪૮ ખેડૂતોને મગફળી લઈને આવવા મેસેજ મોકલવામાં આવેલ. તે પૈકી ૭૯૩૧ ખેડૂતોએ જ મગફળી વેચી છે. ૩૩૮ ખેડૂતોની મગફળી નામંજુર થઈ છે. કુલ ૧,૫૧,૬૯૨.૦૫ કવીન્ટલ મગફળીની ખરીદી થઈ છે. ૨૯૧૬ ખેડૂતોના ખાતામાં મગફળીના પૈસા જમા થઈ ગયા છે. બાકીના ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરાવવાની કાર્યવાહી ચાલુ છે.

સૌથી વધુ ૧૭૭૯ ખેડૂતો રાજકોટ જિલ્લાના છે કે જેણે મગફળી વેચી છે. બીજા ક્રમે જામનગર જિલ્લો છે. આ જિલ્લાના ૧૦૮૫ ખેડૂતોએ તથા જૂનાગઢ જિલ્લાના ૮૪૮ ખેડૂતોએ મગફળી વેચી છે. દ્વારકાના ૬૦૮ ખેડૂતોએ મગફળી વેચી છે.

(3:26 pm IST)