Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

ICFT – UNESCO Gandhi medal સ્પર્ધામાં ગુજરાતી ફિલ્મ '૨૧ મું ટીફીન' સીલેકટ : ૧૦ ડીસે.ના રીલીઝ

અમદાવાદ તા. ૨૪ : ગુજરાતી ફિલ્મ '૨૧મું ટિફિન'ના ગ્રાન્ડ પબ્લીક શોને દર્શકોએ વધાવી લીધો. વિજયગીરી ફિલ્મોસની ફિલ્મ '૨૧મું ટિફિન' ઈન્ડિયન પેનોરમા અંતર્ગત 52nd IFFI માં સિલેકટ થનારી એક માત્ર ગુજરાતી ફિલ્મ છે. જેને દર્શકોએ અને જયુરીએ ફિલ્મને ભરપેટ વખાણી.

૫૨ માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા ( 52nd IFFI) ગોવા ખાતે ૨૦ નવેમ્બરથી ૨૮ નવેમ્બર યોજાયો છે. અહીં વિશ્વભરની શ્રેષ્ઠ સિનેમાનો મેળાવડો જામે છે. ગુજરાતીઓ માટે ગૌરવ લેવા જેવી ઘટના છે કે આ વર્ષે ડિરેકટર વિજયગીરી બાવાની ફિલ્મ '૨૧મું ટિફિન' પણ આ ઈન્ટરનેશનલ ફેસ્ટિવલનો ગૌરવપૂર્ણ ભાગ બની છે.

ફિલ્મના દિગ્દર્શક વિજયગીરી બાવા, પ્રોડ્યુસર ટ્વિંકલ બાવા, લેખક રામ મોરી, સંગીતકાર મેહુલ સૂરતી અને ફિલ્મની સ્ટાર કાસ્ટમાંથી નિલમ પંચાલ તેમજ નેત્રી ત્રિવેદી અહીં ઉપસ્થિત હતા. ફિલ્મની સમગ્ર ક્રુ  પરંપરાગત ગુજરાતી પોશાકમાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની રેડકાર્પેટ પર ગૌરવભેર આવી ત્યારે આ ઘટના ત્યાં ઉપસ્થિત પત્રકારો અને ફોટોગ્રાફર્સ સહિત ઓડિયન્સના આકર્ષણનું કેન્દ્ર બની.

૮૮ મિનિટની આ ફિલ્મને જયુરી અને દર્શકો તરફથી ભવ્ય પ્રતિસાદ મળ્યો છે. અહીં એક ગૌરવપૂર્ણ બાબત નોંધવા જેવી છે કે વિજયગીરી ફિલ્મોસની ફિલ્મ '૨૧મું ટિફિન’ICFT – UNESCO Gandhi medal સ્પર્ધામાં પણ સિલેકટ થઈ છે. સમગ્ર દેશમાંથી માત્ર પંદર ફિલ્મો આ કોમ્પિટિશનમાં સિલેકટ થઈ છે, જેમાં ગુજરાતી ફિલ્મ '૨૧મું ટિફિન' વટથી બેઠી છે. ગુજરાતી ભાષા અને ગુજરાતી સિનેમા માટે આ બાબત ગૌરવ અપાવે એવી છે.

૧૦ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ સમગ્ર ગુજરાતમાં આ ફિલ્મ થિએટરમાં રીલીઝ થવા જઈ રહી છે. (તસ્વીર, અહેવાલ : કેતન ખત્રી, અમદાવાદ)

(3:27 pm IST)