Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

શિયાળુ સત્રમાં સરકાર ખાનગીકરણનો ખરડો લાવશેઃ બેંક કામદારો પણ લડી લેવા માટે તૈયાર

ર૯ નવે.થી ૪ ડીસે.સુધી જુદા-જુદા રાજયોમાં ધરણા યોજાશે

રાજકોટ તા. ર૪ : સર્વવિદિત છે કે સરકારે બજેટમાં બે બેંકો અને વિમા કંપનીઓને ખાનગી કરવાનું નકકી કરેલ છે. સરકારે બેંકોનું ખાનગીકરણ કરવા માટે બંધારણમાં સુધારો કરવાની જરૂર પડશે.  સરકાર શિયાળું સત્રમાં 'બેંકીંગ રેગ્યુલેશન એકટ' અને બેંકીંગ કંપનીઝ (એકવીસીઝન અને ટ્રાન્સફર ઓફ અન્ડર રેકીંગ એકટ)માં સુધારો કરવા જઇ રહી છેતેમ ગુજરાત બેંકવર્કર્સ યુનિયનના મહામંત્રી કે.પી. અંતાણીની એક યાદી જણાવે છે. 

સરકાર હાલ સુધીમાં મોટાભાગના ઉદ્યોગગૃહો જેમણે બેંકના ધિરાણ ચુકતે કરેલ નથી તેમને ૭૦% થી ૯પ% સુધીની રકમની ધિરાણાની ચુકવણીમાં રાહત આપી રહી છે. હવે સરકારની યોજના મુજબ ઉદ્યોગગૃહોને બેંકો સોંપવાની  યોજના ચાલે છે. જે ઉદ્યોગગૃહોએ બેંકોના  ધિરાણ પુરા ભરેલ નથી તેવા ઉદ્યોગગૃહોને બેંકોનો કારોબારી સોંપવાની વાત છે જે 'બિલાડીને દુધના રખોપા સોંપવાની વાત છે. ૧૯૯૧ થી' સરકારે ખાનગી બેંકોને લાયસન્સ આપેલ છે પરંતુ મોટાભાગની આવી ખાનગી બેંકો નુકશાનમાંથી ભુંસાઇ ગઇ છે અને તેનો ભાર રાષ્ટ્રીયકૃત બેંકોએ સહન કરેલ છે.

જાહેર જનતાને આજે જે બેંકીંગ સેવા મળી રહેલ છે તેના ચાર્જીશમાં નિશ્ચિતતપણે વધારો થશે. ૧૯૬૯ પહેલાની જેમ ગરીબ અને અકીંચન લોકો માટેબેંકોના દરવાજા દુર્લભ થઇ જાશે.  અત્યારે બેંકો લગભગ વર્ષે એક લાખ નવી ભરતી કરે છે તે બંધ થઇ જશે. અનામત પ્રથા નાબુદ થશે., બેકારી અને બેરોજગારીમાં વધારો થશે. બેંક કર્મચારીઓ સરકારની આ નિતી સામે ૧૯૯૧ થી લડી રહ્યા છે. અને આજ પ્રશ્ને ૪૦ જેટલી હડતાલ પાડેલ છે છેલ્લે ૧પ-૧૬ માર્ચ ર૦ર૦માં બે દિવસની હડતાલ પાડેલ છે. બેંક કર્મચારીઓ સરકારની આ અવળી નાણાકીય નિતી અને જોર જનતાને જફા પહોંચાડતી નિતી સામે હડતાલ પાડશે.તા.ર૯ નવે.થી ૪ ડીસે. સુધીમાં જુદા જુદા રાજયોમાં ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવશે તેમ વધુમાં યાદી જણાવે છે.

(6:52 pm IST)