Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

ગુજરાતમાં બે દિવસમાં ઠંડીનું જોર વધશે, લઘુત્તમ તાપમાનનો પારો નીચે ઉતરશેઃ હવામાન વિભાગ દ્વારા કાલથી ઠંડી વધવાની આગાહી

વારંવાર વાતાવરણમાં પલ્‍ટો આવતા ખેડૂતો હેરાન

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસોથી કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરતા હતા. પરંતુ રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ઠંડીનું જોર ઘટ્યું હતું. જેના કારણે લોકોને રાહત મળી હતી. હવે ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને એક આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં બે દિવસ બાદ ઠંડીનું જોર વધશે. હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યમાં ઠંડીને લઇ એક અનુમાન કરવામાં આવ્યું છે. જેમાં બે દિવસ રાજયમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થશે. પવનોની દિશા બદલાતા રાજ્યમાં સામાન્ય ઠંડીનું જોર ઘટ્યું હતુ. પરંતુ ગુરુવારે (આવતીકાલે)થી ઠંડીનો પારો ઉંચકાશે

હાલ રાજયમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદ સહિત અનેક જગ્યાએ સવારે ધૂમસી વાતાવરણ સાથે ઠંડીનો એહસાસ થઈ રહ્યો છે. અમદાવાદનું લઘુતમ તાપમાન 17.01 ડીગ્રી નોંધાયું છે. જ્યારે ગાંધીનગર 16.06 ડિગ્રી સાથે ઠંડુગાર રહ્યું છે અને સુરતમાં 20 ડિગ્રી, વડોદરા 21.07 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલના સંજોગોમાં રાજ્યમાં લઘુતમ તાપમાન નીચું અને મહત્તમ તાપમાન ઊંચું રહેવાના કારણે વહેલી સવારે ઠંડી અને દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આગામી બે દિવસ પવનની દિશા યથાવત રહશે, અને તાપમાનમાં પણ યથાવત રહશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, ફરીથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી બે દિવસ બાદ પવનની દિશા બદલાશે, અને ઠંડીનું જોર વધશે. તેમજ દરિયામાં પવનની ગતિ તેજ રહેશે. રાજ્યમાં સામાન્ય રીતે શિયાળામાં સૌથી ઠંડુ શહેર નલિયા રહે છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી ધૂમમ્સ ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જોકે ધૂમમ્સના કારણે વાહન ચાલકો પરેશાન થાય છે. પરંતુ ખેડૂતો પણ વારંવાર વતવારણમાં આવતા પલટાના કારણે પરેશાન થઈ રહ્યા છે.

અત્રે નોંધનીય છે કે, ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગત બુધવારથી શુક્રવાર એમ ત્રણ દિવસ ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો અને હવે છેલ્લા બે ત્રણ દિવસથી ભર શિયાળે ઉનાળા જેવી સ્થિતિ બની ગઈ છે. પરંતુ તેમ છતાં દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત સિવાય કયાંય વરસાદની આગાહી નથી.

(4:37 pm IST)