Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

ગાંધીનગરમાં પુરપાટ ઝડપે જતી કારે પિતા-પુત્રને હડફેટે લેતા બંનેના મૃત્યુથી પરિવારની માથે આભ ફાટ્યું

ગાંધીનગર :શહેરના રાજમાર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેરના જ-માર્ગ ઉપર ગઈકાલે મોપેડ ઉપર જઈ રહેલા પિતાપુત્રને પુરઝડપે જતી કારે અડફેટે લેતાં પુત્રનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું. જયારે ગંભીર ઘાયલ પિતાને સારવાર માટે અમદાવાદ સિવિલ લઈ જવાયા હતા જયાં રસ્તામાં જ તેમનું મોત નીપજયું હતું. આ ઘટનામાં પોલીસે કારચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.   

રાજયના પાટનગર ગાંધીનગરના પહોળા રાજમાર્ગો ઉપર સ્પીડ લીમીટ હોવા છતાં વાહનચાલકો તેનું પાલન કરતાં નથી અને તેના કારણે જ ગંભીર અકસ્માતો વધી રહયા છે જેમાં મૃત્યુઆંક પણ વધી રહયો છે ત્યારે જ-માર્ગ ઉપર વધુ એક અકસ્માતની ઘટનામાં પિતા-પુત્રનું મોત નીપજયું છે. આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે શહેરના સે-૮માં રહેતા હરેશભાઈ કાંતિભાઈ મકવાણા સફાઈ કામદાર તરીકે કામ કરતા હતા અને પરિવારમાં પત્ની તેમજ ત્રણ દીકરી અને ૧૪ વર્ષીય પુત્ર પૃથ્વીરાજનો સમાવેશ થાય છે. ગઈકાલે હરેશભાઈ તેમના પુત્ર પૃથ્વીરાજ સાથે મોપેડ ઉપર ઈન્દ્રોડા ખાતે શાકભાજી લેવા માટે ગયા હતા અને જ-માર્ગ ઉપર પસાર થઈ રહયા હતા તે દરમ્યાન પુરઝડપે જતી કારે તેમના મોપેડને ટક્કર મારી હતી. જેના કારણે પિતાપુત્ર બન્ને જમીન ઉપર પટકાયા હતા. શરીરે તેમજ માથામાં ગંભીર ઈજાઓના કારણે પૃથ્વીરાજનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જયારે ગંભીર રીતે ઘવાયેલા હરેશભાઈને ગાંધીનગર સિવિલ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ લઈ જવામાં આવતા હતા ત્યારે રસ્તામાં જ તેમનું  મોત નીપજયું હતું. અકસ્માતની આ ઘટનામાં પિતાપુત્રનું મોત થતાં પરિવાર ઉપર આભ ફાટયા જેવી સ્થિતી સર્જાઈ હતી. હાલ તો સે-૭ પોલીસે અકસ્માતની ઘટનામાં કારચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

 

(5:34 pm IST)