Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

આણંદ જિલ્લામાં લૂંટના ઇરાદે નીકળેલ બે શખ્સને પોલીસે બે જીવતા કારતુસ સાથે ઝડપી પાડયા

આણંદ:જિલ્લામાં લૂંટ, ધાડ કે અન્ય કોઈ મોટી ઘટનાને અંજામ આપવાના ઈરાદે આવેલ આંતરરાજ્ય ગેંગના તથા રાજસ્થાનના અનેક ગુનાઓમાં વોન્ટેડ બે રીઢા ગુનેગારોને આણંદ એસઓજી પોલીસે દેશી બનાવટના લોડેડ તમંચા તથા બે જીવતા કારતુસ સાથે ભાલેજ રેલ્વે ફાટક નજીકથી ઝડપી પાડયા હતા. પોલીસે બંને આરોપીઓ પાસેથી દેશી બનાવટનો તમંચો, બે જીવતા કારતુસ તથા એક ધારદાર છરો મળી કુલ્લે રૂા.૧ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આણંદ એસઓજી પોલીસની ટીમના અલગ-અલગ માણસો ગઈકાલ રાત્રિના સુમારે અલગ-અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન એક નંબર પ્લેટ વગરના એક્ટીવા ઉપર બે પરપ્રાંતીયો લોડેડ પિસ્તોલ તથા મારક હથિયાર સાથે સામરખાથી ભાલેજ થઈ ઓડ તરફ જનાર હોવાની બાતમી પોલીસને મળી હતી. વર્ણન મુજબના બે શખ્શો સફેદ કલરના એક્ટીવા ઉપર આવી ચઢતા પોલીસે બંનેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસને જોઈ બંને શખ્શોએ એક્ટીવા પુરઝડપે હંકારી મુક્યું હતું. દરમ્યાન પોલીસે ફિલ્મીઢબે એક્ટીવાનો પીછો કરી બંને શખ્શોને ઝડપી પાડયા હતા. પોલીસે બંને શખ્શોની અંગજડતી લેતા એકે પહેરેલ પેન્ટના કમરના ભાગેથી દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો. દરમ્યાન તેની સાથે રહેલ અન્ય શખ્શે પોતાની પાસેનો છરો કાઢી પોલીસ ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે પોલીસે બળપ્રયોગ કરી તેને પણ ઝડપી પાડયો હતો.

(5:34 pm IST)