Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

આણંદના રહેણાંક વિસ્તારમાં કતલખાનાને ખસેડવામાં આવતા સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ દેખાડ્યો

આણંદ:શહેરમાં વોર્ડ નંબર ત્રણમાં રહેણાંક સ્થળે કતલખાનુ કાર્યરત થતાં તીવ્ર દુર્ગંધ ફેલાવા, રોગચાળાનો વાવર વકરવા ઉપરાંત જાહેર આરોગ્ય સામે જોખમ તોળાવાની પણ દહેશતના મુદ્દે સ્થાનિકો લડી લેવાના મુડમા જણાઇ રહ્યા છે અને તે સ્થળે ગાર્ડનનુ નિર્માણ કરવાની પણ માંગ કરાઇ છે.

શહેરથી દુર નેશનલ હાઇવે નં.૮ ઉપર ચાલતા કતલખાનાને શહેરના મધ્યભાગમાં વોર્ડ નં.૩ના ભરચક્ક વિસ્તારમાં કાર્યરત કરવા માટે પાલિકા દ્વારા પૂર્વતૈયારીઓ હાથ ધરાતા જ ઘેરા પ્રત્યાઘાતો સર્જાયા છે. જેમાં શહેરીજનોની ઉંચી વસ્તી ધરાવતા વિસ્તારમાં શેલ્ટર હોમ શરૂ કરવાની તજવીજને લઇને જાહેરમાં પશુઓની કતલથી અસહ્ય દુર્ગંધ તેમજ ગંદકી ફેલાવાની,  અરેરાટી પ્રગટવાની ભીતિ વચ્ચે ગંભીર બિમારીનો વાવર પ્રગટવાની સંભવિત શક્યતાઓને લઇને સ્થાનિક નાગરિકોમાં તીવ્ર આક્રોશ ભભુકી ઉઠયો છે. 

હાલમા હાઇવે ઉપર કાર્યરત કતલખાનાને જુના સ્થળે જ કાર્યરત રાખવાની માંગ સાથે વોર્ડ નં. ૩માં શેલ્ટર હોમ ચાલુ કરવામા આવશે તો નાગરિકો દ્વારા પ્રચંડ આંદોલન અને જલદ કાર્યક્રમો આપવાની પણ વિચારણા હાથ ધરાઇ છે. 

(5:35 pm IST)