Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

સુરતના ઉન-ગભેણી રોડ વિસ્તારમાં માતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતા 12 વર્ષીય યુવતી ભેદી સંજોગોમાં ગુમ થઇ જતા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી

સુરત: શહેરના ઉન-ગભેણી રોડ વિસ્તારમાં રહેતી 12 વર્ષીય બાળા ઘરેથી દૂધ લેવા જવા નીકળ્યા બાદ ભેદી સંજોગોમાં ગુમ થઇ જતા સચિન જીઆઇડીસી પોલીસ દોડતી થઇ ગઇ હતી. જો કે સીસીટીવીમાં જાતે જ રીક્ષામાં જતા નજરે પડેલી બાળા સવારે પરત આવી જતા પોલીસ અને પરિવારે રાહતનો દમ લીધો હતો. ઉન-ગભેણી રોડ વિસ્તારમાં રહેતા વિધર્મી પરિવારની ફાતીમા (ઉ.વ. 12 નામ બદલ્યું છે) ગત સાંજે ઘરેથી દૂધ લેવા ગયા બાદ ગુમ થઇ ગઇ હતી. જેથી માતાએ દુકાનદારને ત્યાં જઇ તપાસ કરી હતી. પરંતુ ફાતીમાં દુકાને ગઇ ન હતી અને સોસાયટીમાં પણ નજરે નહીં પડતા સ્થાનિક વિસ્તાર ઉપરાંત સુરત, સચિન અને ભેસ્તાન રેલવે સ્ટેશન અને સંબંધીઓને ત્યાં તપાસ કરવા છતા નહીં મળતા છેવટે રાત્રે 11 વાગ્યે અપહરણની આશંકા વ્યક્ત કરતી ફરીયાદ નોંધાવી હતી. પોલીસે અલગ-અલગ ટીમ બનાવી શોધખોળ શરૂ કરી હતી અને સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં બાળા જાતે જ રીક્ષામાં બેસી જતા ફૂટેજમાં નજરે પડી હતી. રાતભરની શોધખોળ બાદ બાળા આજે સવારે પરત આવી ગઇ હતી. પોલીસે બાળાની પૂછપરછ કરતા બાળા વારંવાર પડોશીને ત્યાં જતી હોવાથી આ બાબતે ઠપકો આપી અભ્યાસમાં ધ્યાન આપવા કહ્યું હતું. જેથી જાતે જ ઘરેથી ચાલી ગઇ હતી અને ગોડાદરા આસપાસ પાસે રહેતી માસીના ઘર પાસે જઇ આખી રાત છુપાઇ ગઇ હતી અને સવારે પરત ઘરે આવી ગઇ હતી. 

 

(5:36 pm IST)