Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

કોરોનાના કપરા કાળમાં ફરજ બજાવતાં પ્રવાસી શિક્ષકોને મહેનતાણું નહિ મળતા ભારે નારાજગી

મળવાપાત્ર રકમની ગ્રાન્ટ સ્વરૂપે વહેલીતકે છુટી કરવા માગણી : ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા શિક્ષણ વિભાગને લખ્યો પત્ર

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કપરા કાળમાં સાત માસ સુધી ફરજ બજાવનાર પ્રવાસી શિક્ષકોને તેમનું મહેનતાણું  મળ્યું ન હોઈ આક્રોશ જોવાઈ રહ્યો છે. જૂન, 2020થી સ્કૂલોમાં ઓનલાઈન શિક્ષણની કામગીરી શરૂ થઈ ત્યારથી પ્રવાસી શિક્ષકો મહત્વના વિષયો વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે, છતાં હજુ સુધી તેમને મહેનતાણું મળ્યું ન હોઈ પ્રવાસી શિક્ષકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ મુદ્દે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા શિક્ષણ વિભાગમાં પત્ર લખી પ્રવાસી શિક્ષકોને મળવાપાત્ર રકમ ની ગ્રાન્ટ સ્વરૂપે વહેલીતકે છુટી કરવા માગણી કરી છે.

રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં કાયમી શૈક્ષણિક સ્ટાફની ભરતીના વિકલ્પે પ્રવાસી શિક્ષકની જોગવાઈ કરવામાં આવેલી છે. પ્રવાસી શિક્ષકોને તાસ દિઠ મહેનતાણું ચુકવવામાં આવતું હોય છે. એટલે કે, પ્રવાસી શિક્ષકો જેટલા તાસ લે તે પ્રમાણે તેમને મહેનતાણું ચુકવવાનું હોય છે. આ માટે સરકાર દ્વારા મહેનતાણાના દર પણ નક્કી કરવામાં આવ્યા છે.

રાજ્યની 6 જૂન, 2020થી પ્રથમ સત્રની શરૂઆત થઈ છે. જોકે, રાજ્યમાં કોવિડ-19ના પગલે વિદ્યાર્થીઓને સ્કુલે આવવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જોકે, સ્કૂલનો શૈક્ષણિક સ્ટાફ શાળા શરૂ થયા બાદથી વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણની કામગીરી માટે શાળા શરૂ થયા બાદથી કામગીરી કરી રહ્યા છે. સંચાલકોએ પોતાની સ્કૂલમાં મહત્વના વિષયો જેવા કે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીની ખાલી જગ્યા પર પ્રવાસી શિક્ષકોને કામગીરી સોંપી છે. આમ, હાલમાં સાત માસનો સમયગાળો પુરો થવા આવ્યો છે અને પ્રવાસી શિક્ષકોને તેમના મહેનતાણા વગર જે તે સંસ્થામાં ફરજ બજાવી રહ્યા છે.

કોરોનાના કપરા કાળમાં 7 મહિના સુધી કામગીરી કરી હોવા છતાં તેમને મહેનતાણું મળ્યું ન હોવાથી તેઓ નારાજ થયા છે અને અસંતોષની લાગણી ફેલાઈ છે. સાત માસ પછી પણ મહેનતાણું મળ્યું ન હોઈ પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હોવાની રજૂઆતો પણ કરાઈ છે.

આ અંગે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે વધુમાં જણાવ્યું છે કે, રાજ્યના કેટલાક જિલ્લાઓમાં જે તે જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીઓએ પ્રવાસી શિક્ષકો લેવા માટે મંજુરી આપી નહોતી, જ્યારે અન્ય જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીઓ દ્વારા પ્રવાસી શિક્ષક ભરવા માટેની મંજુરીઓ પણ આપેલી છે. આમ, પ્રવાસી શિક્ષકોને મળવાપાત્ર થતી રકમ ગ્રાન્ટ સ્વરૂપે વહેલી તકે છુટી કરવા માટે માંગણી કરી છે.

(12:39 am IST)