Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

સરકાર લોકોના નિરાશ થવાની ચિંતા ન કરે,લોકો એકવર્ષ પછી પણ તહેવાર ઉજવી શકે છે :હાઇકોર્ટ

25મી ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી અને ઉત્તરાયણના પર્વ નિમિત્તે કોરોની સ્થિતિ ન વણસે તેના માટે રાજ્ય સરકાર તકેદારી રાખે

અમદાવાદ : ઉત્તરાયણ પર્વ દરમિયાન કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તેના યોગ્ય પગલાં લેવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે એડવોકેટ જનરલને રાજ્ય સરકાર પાસેથી સૂચનો મેળવવાનો આદેશ કર્યો છે. 25મી ડિસેમ્બરથી 2 જાન્યુઆરી 2021 સુધી અને ખાસ કરીને ઉત્તરાયણના પર્વ નિમિત્તે કોરોની સ્થિતિ ન વણસે તેના માટે રાજ્ય સરકાર તકેદારી રાખે તેવું કોર્ટે અવલોકન કર્યું હતું

  ગુજરાત હાઈકોર્ટે એડવોકેટ જનરલને ભારપૂર્વક કહ્યું હતું કે સરકાર લોકોના નિરાશ થવાની ચિંતા ન કરે. લોકો 1 વર્ષ પછી પણ તહેવાર ઉજવી શકે છે. ઉત્તરાયણ દરમિયાન કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે જરૂરી નિર્દેશ જારી કરવામાં આવે તેવી માંગ કરતી જાહેરહિતની અરજી પર સમયના અભાવે સુનાવણી થઈ શકી નહીં પરંતુ 8મી જાન્યુઆરીના રોજ સાંભળવામાં આવશે. હાઈકોર્ટે આ મુદ્દે એડવોકેટ જનરલને સરકાર પાસેથી નિર્દેશ લેવાનો આદેશ કર્યો છે

નાઈટ કરફ્યુ મુદ્દે રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે હાલ નાઈટ કરફ્યુ 31મી ડિસેમ્બર સુધી લાગુ કરવાની સૂચના છે, જોકે તેને લંબાવવામાં આવશે તેવી પુરી શકયતા છે. નાઈટ ફરફ્યુ ખાસ લંબાવવા મુદ્દે આગામી 24 કલાકમાં કોર કમિટીની બેઠકમાં નિણર્ય લેવામાં આવશે.

રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં જણાવાયું હતું કે 22મી ડિસેમ્બર સુધીમાં માસ્ક અને કોરોનાથી બચાવના નિયમોનું પાલન ન કરનાર લોકો પાસેથી 116 કરોડ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે.

(6:17 pm IST)