Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

આઝાદી પછી દેશના આદીવાસીઓનો જે રીતે વિકાસ થવો જોઈએ એવો થયો નથી: ભાજપ સાંસદનો નાણામંત્રીને પત્ર

સિંચાઈ સુવિધાના અભાવે રોજી રોટી માટે આદિવાસી ઓએ અન્ય શહેરોમાં જવું પડે છે: દેશના આદિવાસી તથા પછાત વિસ્તારમાં શિક્ષણનું નીચું સ્તર સુધારવું જરૂરી:નર્મદા ડેમ-સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા પ્રોજેકટ છતાં આદિવાસીઓના વિકાસના પ્રશ્નો અધૂરા: ભાજપ સાંસદ મનસુખ વસાવા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ઈકો સેન્સેટિવ કાયદાની વિરૂદ્ધમાં આદીવાસીઓના હિત માટે સાંસદ પદેથી અને પક્ષમાંથી રાજીનામુ ધરી દેનાર ગુજરાતના સિનિયર સાંસદ મનસુખ વસાવાએ દેશના કેન્દ્રીય નાણામંત્રીને દેશમાં આદિવાસીઓની સ્થિતિનું વર્ણન કરતો એક પત્ર લખ્યો છે.
ભાજપ સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને લખેલા પત્રમાં જણાવ્યું છે કે આઝાદી પછી દેશના આદીવાસીઓનો જે રીતે વિકાસ થવો જોઈએ એવો થયો નથી, ભાજપના શાસન પછી જ વિકાસ દેખાઈ રહ્યો છે અને આદિવાસીઓના વિકાસ માટે ભાજપ સરકાર પ્રયાસ કરી રહી છે.પરંતુ દેશમાં અન્ય સમાજની સામે આદીવાસી સમાજ પાછળ છે.સિંચાઈની સુવિધાના અભાવે સિંચાઈ સુવિધાના અભાવે રોજી રોટી માટે આદિવાસીઓએ અન્ય શહેરોમાં જવું પડે છે.દેશના આદિવાસી તથા પછાત વિસ્તારમાં શિક્ષણનું નીચું સ્તર સુધારવું જરૂરી છે, સાથે સાથે આદીવાસી અને પછાત વિસ્તારના વિદ્યાર્થીઓને શાળા-કોલેજમાં એડમિશન તો મળે છે પણ યોગ્ય રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાવવી જોઈએ.
ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે દેશના શહેરી વિસ્તારોમાં રહેતા આદીવાસીઓને આવાસ બનાવવા જમીન નથી એવા ગરીબ પરિવારના લોકોને રહેવા લાયક જમીનની વ્યવસ્થા કરવી જોઈએ.દેશમાં ચાલી રહેલી મોટી મોટી પરિયોજનામાં જે પણ આદીવાસી ખેડૂતની જમીન સંપાદિત થાય છે અથવા જેમને વિસ્થાપિત કરાય છે એમને જમીન અને પ્રાથમિકતાના આધારે પરિયોજનામાં રોજગારી ઉપલબ્ધ કરાવવી જોઈએ, ખનન માટે લેવાતી જમીનની સામે યોગ્ય વળતર મળવું જોઈએ.
ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે સરદાર સરોવર યોજના અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા મોટા પ્રોજેકટ છતાં એ વિસ્તારના આદિવાસીઓના વિકાસ અને ઉત્થાન સાથે જોડાયેલા પ્રશ્નો હાલમાં પણ અધૂરા છે.આ સવાલોના હલ માટે સરકારી તંત્ર પર નિર્ભર ન રહી એ વિસ્તારની પુરી જાણકારી રાખવવાળા જન પ્રતિનિધિને એક સમિતિ અથવા બોર્ડ બનાવી એમાં સમાવી પ્રશ્ન હલ થઈ શકે છે.આજે દેશના અનેક રાજ્યોમાં આદિવાસીઓનો ખોટા પ્રમાણપત્રો લેવાના પ્રયાસો થઈ રહ્યા છે, જો એના પર રોક નહિ લગાવાય તો આદિવાસીઓનું અસ્તિત્વ ખતમ થઈ જશે.

(10:36 pm IST)