Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

હોળી કે ધુળેટી જેવા કાર્યક્રમો બંધ રહેતા ફુલનો વ્‍યવસાય કરનારા વેપારીઓની માઠીઃ ફુલો ઉતારવાની મજૂરી પણ પડે છે મોંઘી

રાજકોટ: ધુળેટી પર્વ પર રંગ અને સુગંધ ઉડી ગયા હોય એમ લાગી રહ્યું છે ને હોળી કે રસિયા જેવા વિવિધ કાર્યક્રમોને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે, ત્યારે આ વર્ષે હોળી પર્વ પર પ્રતિબંધ આવતા વેપારીઓ લાલ આંસુએ રડી રહ્યાં છે. તેમાં પણ ફૂલોના માર્કેટ પર મોટી અસર જોવા મળી રહી છે. ફૂલોથી રમાતી હોળી અને ધૂળેટીમાંથી રંગ અને સુગંધ ઊડી ગયાં છે. વૈશ્ચિક મહામારી કોરોનાએ રીતસર લોકોને ભયભીત કરી દીધા છે. છેલ્લા એક વર્ષમાં એક પણ તહેવારને લોકોએ મન મૂકીને માણી શક્યા નથી. દિન પ્રતિદિન કોરોના સંક્રમિતના આંક વધતા જ જાય છે, ત્યારે રંગ પર્વને ગણતરીના દિવસો બાકી હોઈ સરકાર દ્વારા SOP જાહેર કરાઈ છે.

ફાગણ માસમાં હોળી-ધુળેટીના પર્વમાં હોળી કે રસિયા ધાર્મિક ઉત્સવ દબદબાભેર ઉજવાતો હોય છે અને આ ઉત્સવમાં વ્યાપક પ્રમાણમાં ફૂલોનો ઉપયોગ થતો હોય છે. જેથી કરીને આ તહેવાર પહેલા ખેડૂતો ફૂલોની ખેતી તરફ વળે છે. જેમાં ગલગોટા, બેરી અને ગુલાબ સહિતના ફૂલોનો ઉપયોગ થતો હોય છે. હોળી કે રસિયા જે વિસ્તારમાં ધાર્મિક ઉત્સવ ઉજવાતો હોય ત્યાં ફૂલોના કારણે મહેંક પ્રસરી જતી હોય છે. પરંતુ સરકારે ચૂંટણી પર્વ ધામધૂમપૂર્વક ઉજવી લીધા બાદ ધાર્મિક ઉત્સવ ઉપર કોરોનાનો કોરડો વિંઝી એકાએક બ્રેક લગાવી છે, જેની અસર ફૂલોની ખેતી કરતા ખેડૂતો અને વેપારીઓ પર પડી છે.

ફૂલોના વ્યવસાયમાં આવેલી વ્યાપક મંદી અંગે શહેરના વિવિધ ફૂલોના વેપારીઓએ જણાવ્યું કે, દસ વર્ષ પહેલા ગોંડલ શહેર પંથક ફૂલો માટે અમદાવાદ વિસ્તાર ઉપર આધારિત હતું. છેલ્લા એક દાયકાથી ગોંડલ શહેર પંથકમાં વિવિધ ફૂલોની ખેતી થવા લાગી છે. જરૂરિયાત પ્રમાણમાં ઘર આંગણે જ ફૂલો મળી રહે છે. પરંતુ હાલ વર્તમાન સમયે વેપારીઓ અને ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ ખરાબ થવા પામી છે. સરકારી પ્રતિબંધના કારણે ધાર્મિક ઉત્સવો, લગ્ન પ્રસંગો બંધ થયા છે. ફૂલોની જરૂરિયાત ઘટી છે.

ફૂલો ઉતારવાની મજૂરી પણ મોંઘી પડે છે

એક ખેડૂત અશ્વિન મોણપરાએ જણાવ્યું કે, ખેતરમાં ઉભેલા મનમોહક ફુલો ઉતારવાની મજૂરી પણ મોંઘી પડી રહી છે. ખેડૂતોને ગુલાબના ફૂલ 55 રૂપિયા કિલો પડતર થાય છે, જેની સામે બજારમાં રૂપિયા 20 કિલો લેખે વેચાતા હોય 35 રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે અને જો ફૂલોને સમયસર ઉતારી લેવામાં ન આવે તો મોલ ખરાબ થઈ જાય છે. મોટાભાગના ખેડૂતોએ સફેદ ફૂલના છોડ ખેતરમાંથી કાઢવાનું શરૂ કરી દીધું છે.

(4:43 pm IST)