Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

સુરતના ઉઘના વિસ્તારમાં આંગડિયા પેઢીના કર્મચેરને લૂંટવાનો પ્રયાસ કરનાર પાંચ આરોપીઓના જામીન અદાલતે નામંજૂર કર્યા

સુરત: શહેર ક્રાઈમ બ્રાંચે ઉધનાની આંગડીયા પેઢીના કર્મચારીને લુંટવાના ગુનાઈત કારસો રચવા તથા આર્મ્સ એક્ટના ભંગ બદલ જેલભેગા કરેલા પાંચ પરપ્રાંતીય આરોપીઓ પૈકી બે આરોપીઓએ ચાર્જશીટ બાદ કરેલી જામીનની માંગને આજે એડીશ્નલ સેશન્સ કોર્ટે નકારી કાઢી છે.

સુરત ક્રાઈમ બ્રાંચના ફરિયાદી અનાર્મ હેડ કોન્સ્ટેબલ હરીસિંગ વીરસિગે તા.12-1-21 ના રોજ ઉધના સીલીકોન શોપર્સમાં આવેલી પટેલ મહેન્દ્ર સોમા નામની આંગડીયા પેઢીની રેકી કરીને પેઢીના કર્મચારીને લુંટવાના ગુનાઈત કારસાની તૈયારી સાથે પાંચ જેટલા પરપ્રાંતીય આરોપીઓને રાંદેર ઝઘડીયા ચોકડી પાસેથી લોડેડ તમંચા સાથે ઝડપી લીધા હતા.ડીસીબી પોલીસે મૂળ ઉત્તરપ્રદેશના કાસગંજ જિલ્લાના વતની અજીત ચૌહાણ,દિલ્હી રોહિણીના વતની રોનીત ઉર્ફે મોહિત ઉર્ફે વિશાલ તુલશી ચૌહાણ,મધ્યપ્રદેશ મુરૈનાના વતની પ્રિતેશ ઉર્ફે ટાયગર રામવિનોદ પરમાર,ઉદયવીરસિંહ ઉર્ફે પપ્પુ તોમર,પ્રતાપસિંહ તોમરને મોટર સાયકલ,લોડેડ તમંચા,મરચાની ભુકી સાથે ઝડપી લઈ જેલહવાલે કર્યા હતા.

આ કેસમાં જેલવાસ ભોગવતા આરોપી ઉદયસિંહ તોમર તથા પ્રિતેશ ઉર્ફે ટાયગર પરમાર (રે.રસરાજ  સોસાયટી,ભાઠા)એ ચાર્જશીટ બાદ જામીન માટે માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી કિશોર રેવાલીયાએ તપાસ અધિકારીની એફીડેવિટ રજુ કરી જણાવ્યું હતું કે હાલના આરોપીઓ વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ છે.આરોપીઓ અગાઉ ધાડપાડુ ગેંગમાં સામેલ થઈને લુંટનો ગુનો આચરતા પહેલાં પાંડેસરા પોલીસની હદમાંથી ધર્મેન્દ્ર ચૌહાણ તથા લલીત દુબે મારફતે મોટર સાયકલ ચોરી કરાવી ગુનામાં ઉપયોગ કર્યો છે.આરોપીઓ વિરુદ્ધ અગાઉ લાલગેટ તથા પાંડેસરા પોલીસમાં પણ આંગડીયા પેઢીના કર્મચારીને લુંટવાના ગુનામાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.જેથી આરોપીઓનો ગુનાઈત ઈતિહાસ ધરાવતા હોઈ જામીન પર મુક્ત કરવાથી ફરી આવા ગુના આચરે તથા સાક્ષી પુરાવા સાથે ચેડા કરે તેવી સંભાવના છે.જેને કોર્ટે માન્ય રાખી બંને આરોપીઓની ચાર્જશીટ બાદ જામીન માંગતી  અરજીને નકારી કાઢી છે.

(5:26 pm IST)