Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

બિટકોન પ્રકરણમાં ચર્ચામાં આવેલ સુરતનો શૈલેષ ભટ્ટ કરી એક વખત ચર્ચામાં ૪ કરોડના રપ કરોડની માંગણી કરાઇ : ૧૧ સામે ગુન્‍હો દાખલ થયો

સુરત: ગુજરાતમાં બિટકોઈનના ધંધાને કારણે ચર્ચામાં આવેલો સુરતનો શૈલેષ ભટ્ટ ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. એક વ્યક્તિને ચાર કરોડ રૂપિયા વ્યાજે આપ્યા બાદ તેની પાસેથી 25 કરોડની માંગણી કરવામાં આવી રહી હતી. જોકે રૂપિયા નહીં મળતાં મિલ્કત આપી દેવા દબાણ કર્યા બાદ તેના પર જબદસ્તી કબજો જમાવ્યો હતો. પોલીસ દ્વારા ચાર આરોપીઓને ચાર પિસ્ટલ, જીવતાં કારતુસ સાથે ધરપકડ કરવામાં આવી જેમને ગેરકાયદેસર રીતે મિલ્કત પર કબજો જમાવ્યો હતો. પોલીસે જૂનાગઢના માથાભારે અનિરુદ્ધસિંહ જાડેજા સહિત 11 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

સુરત શહેરમાં ચાલતા વ્યાજના ગોરખધંધાનો ફરી એક વખત ખુલાસો થયો છે. સુરતના લસકાણા વિસ્તારમાં આવેલી સિદ્ધિ વિનાયક ગ્રીન નામની બિલ્ડિંગમાં કેટલાક લોકો કબજો જમાવી બેઠા હતાં. આ અંગે બિલ્ડિંગના માલિક રાજુ દેસાઈએ સરથાણા પોલીસને જાણ કરી હતી. સરથાણા પોલીસે ઘટના સ્થળે જઈ ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. પકડાયેલા આરોપી સલીમ ઠેબા, સાજીત ઠેબા, હનિફ દરઝાદા અને ઉમર પટણીની પાસેથી ચાર હાથ બનાવટની દેશી પિસ્તોલ, કારતુસ જપ્ત કરવામાં આવ્યા હતાં.

ઘટના અંગે પોલીસ કમિશનર અજય કુમાર તોમરે કહ્યું હતું કે,

ઘટનાની ફરિયાદ કરનાર બિલ્ડર રાજુ દેસાઈએ વર્ષ 2015માં શૈલેશ ભટ્ટ તથા વિજય ખોખરીયા પાસેથી રૂપિયા ચાર કરોડ દોઢ ટકાના વ્યાજે લીધેલા હતાં. જેની સામે સીકયુરીટી પેટે રાજુભાઇ પાસેથી કબજા વગરનો રજીસ્ટર સાટાખત કરાવી લીધો હતો.

અજય કુમાર તોમરે વધુમાં જણાવ્યું હતું કે રાજુભાઈ પાસેથી વધારે રૂપિયા કઢાવવા માટે દોઢ ટકાના બદલે સાડા ચાર ટકાનું વ્યાજ વસુલ કરવા બળજબરીથી શૈલેશ ભટ્ટે પોતાના ભાણેજ નિકુંજ ભટ્ટના નામે મિલ્કત લખાણ કરાવી લીધું હતું. જે રકમ સામે વ્યાજ સહીત રૂપિયા છ કરોડ રાજુભાઈએ ચુકવી દીધા હતાં. વધુ રૂપિયા જોઈતા હોવાથી શૈલેશ ભટ્ટ દ્વારા જૂનાગઢના રિબડાના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહના માથાભરે પુત્ર અનિરૂધ્ધસિંહ ઉર્ફે અનિરૂદ્ધસિંહ જાડેજાનો સંપર્ક કર્યો હતો. અનિરુદ્ધ તથા તેના ટોળકીના સભ્યો સાથે મળી રૂપિયા 25 કરોડ બળજબરીથી કઢાવી લેવાના ઈરાદાથી રાજુભાઇની માલિકીની જમીન તથા ફલેટની સાઇટ પર ફેબ્રુઆરીથી ચાર માણસો બેસાડી કબજો કરી લીધો હતો.

જેમાં શબ્બીર નામના વ્યક્તિએ રીવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. સરથાણા પોલીસ મથકમાં સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાઇ હતી, જોકે ગુનાની ગંભીરતા જોતા પોલીસ કમિશનર અજય કુમાર તોમરે ઘટનાની વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી.

11 લોકો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

(1)        શૈલેશ બાબુલાલ ભટ્ટ.
(2)        નિકુંજ ભટ્ટ
(3)        વિજય શાંતીલાલ ખોખરીયા
(4)        વકીલ ધર્મેશ પટેલ
(5)        અનિરૂદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા
(6)        અનાઉલ્લા ખાન
(7)        સબ્બીર
(8)        સલીમ ઇબ્રાહીમભાઇ ઠેબા
(9)        સાજીત સુલતામા ઠેબા
(10)      હનીફ અલારખા દરઝાદા
(11)      ઉમરભાઈ કાસમભાઇ પટણી

(8:46 am IST)