Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

નવરાત્રી યોજવા દયોઃ આયોજકોની માંગણી

આજે મોટી સંખ્યામાં આયોજકો - કલાકારો - સંગીતકારો 'કમલમ' પહોંચ્યા : ગાઇડલાઇન સાથે નવરાત્રી યોજવા દેવા માંગણી : તમામ ધંધા - રોજગારને છુટ તો નવલા નોરતાને કેમ નહિ ? આપ્યું આવેદનપત્ર : શહેરના એક આયોજક પાસનું બુકીંગ પણ શરૂ કર્યાની ચર્ચા

રાજકોટ તા. ૨૫ : લોકડાઉન બાદ અનલોકના સમયગાળામાં તમામ ધંધા - રોજગારને છુટછાટ મળી છે તો નવરાત્રીને પણ છૂટ મળવી જોઇએ એવી માંગણી આજે નવરાત્રીના આયોજકોએ કરી છે. આજે ગાંધીનગર સ્થિત 'કમલમ' ખાતે મોટી સંખ્યામાં આયોજકો, સંગીતકારો, કલાકારો ઉમટી પડયા હતા અને નવરાત્રી માટેની છૂટ આપવા માંગણી કરી હતી. આ લોકોએ વિવિધ નિયમો અને ગાઇડલાઇન સાથે છૂટ મળવી જોઇએ એ મતલબનું એક આવેદનપત્ર પણ પાઠવ્યું હતું.

નવરાત્રી યોજવા દેવાની માંગણી કરનારાઓએ રજૂઆતમાં કહ્યું હતું કે, સંગીતકારો, કલાકારો વગેરેનું ગુજરાન ચાલુ રહે અને તેઓ આજીવીકા રળી શકે તે માટે મંજુરીની છૂટ જરૂરી છે. તમામ ધંધા - રોજગારને છુટ મળતી હોય તો આ પર્વને પણ શરતી મંજુરી મળવી જોઇએ તેવી રજૂઆત કરવામાં આવી હતી.

અત્રે એ નોંધનીય છે કે અગાઉ મુખ્યમંત્રી સમક્ષ પણ નવરાત્રીના આયોજકોએ રજૂઆત કરી હતી. હવે તેઓએ પ્રદેશ અધ્યક્ષ પાટીલ સમક્ષ રજુઆત કરી છે. સરકાર લગ્નો યોજવા રાહતો આપવાની છે એવા અહેવાલો બાદ હવે નવરાત્રીને પણ શરતી મંજુરી મળશે એવી આશા જાગી છે.

દરમિયાન ગુજરાતમાં નવ દિવસનો નવરાત્રિ ઉત્સવ ઉજવાય છે. આવામાં ગુજરાતના સૌથી મોટા ફેસ્ટિવલમાં આયોજન થાય તેવી લોકોની માંગ છે. લોકોની માંગ હતી કે, છૂટછાટ સાથે ગરબા રમવા મળે. પરંતુ જો ગરબાનું આયોજન કરવું હશે તો સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું પડી શકે છે. આ આયોજનમાં સરકાર કેવા પ્રકારની છૂટછાટ આપે છે તે હજી જાહેર થયુ નથી. પણ થોડા દિવસોમાં જ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. અનલોક ૪માં સરકાર વધુ છૂટછાટો જાહેર કરી શકે છે, જેમાં નવરાત્રિ અંગે પણ મોટી જાહેરાતો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, દોઢ મહિના પહેલા ગરબા આયોજકોએ સરકાર સાથે બેઠકો યોજી હતી. ૩૧ ઓગસ્ટે અનલોક ૩ પૂરુ થઈ રહ્યું છે. અનલોક ૪ની ગાઈડલાઈન હજી બહાર પડી નથી. આવામાં સરકાર અનલોક ૪માં કેવા પ્રકારની છૂટછાટ આપે છે તે જોવું રહ્યું.

નવરાત્રિના પાસ માટે જાહેરાત કરી દેનાર રાજકોટના ગરબા આયોજક પંકજ સઠીયાએ આ વિશે જણાવ્યું કે, સરકાર છૂટછાટ આપે તો અમે ગાઈડલાઈન મુજબ આયોજન કરવા તૈયાર છીએ. ગરબાના આયોજન માટે અમને બે અઢી મહિનાનો સમય લાગી જાય છે. તે માટે અમે અત્યારથી જ શરૂઆત કરી દીધી છે. સરકાર હા પાડે તે માટે અમે અત્યારથી અમે તૈયારી કરી દીધી છે. સરકાર ના પાડશે તો પછી કંઈ કરવાનું રહેતુ નથી. સરકાર હા પાડે તો પ્રિપ્લાનિંગ શરૂ કરી દીધું છે. સોશિયલ ડિસ્ટન્સિંગ બાબતે અમને ખાસ ધ્યાન રાખવું પડશે. પરંતુ બધુ કરવાની અમારી તૈયારી છે.

ઝેનિત પટેલે જણાવ્યું કે, સરકાર છૂટછાટ આપે તો ગાઈડલાઈન મુંજબ કામ શરૂ કરીશું. માસ્ક, સેનેટાઈઝેશન, ટનલ વગેરે બાબતે અમે બધુ ધ્યાન રાખીશું. સરકાર બીજા નિયમો બહાર પાડે તો તેને અનુસરવા પણ અમે તૈયાર છીએ.

(3:28 pm IST)