Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

બહુ ચર્ચિત પારૂલ યુનિવર્સિટી રેપકાંડના આરોપી જયેશ પટેલનું કિડનીની સારવાર દરમિયાન મોત

અમદાવાદ,તા.૨૫: વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં રેપકાંડના આરોપી જયેશ પટેલનું કિડની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજયું છે. ત્યારે જયેશ પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પારૂલ યુનિવર્સિટીના રેપકાંડનો આરોપી જયેશ પટેલની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી નાજુક હતી. જયેશ પટેલ છેલ્લાં ચાર દિવસથી વેન્ટિલેટર પર હતો. અમદાવાદની સિવિલ કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલમાં આરોપી જયેશ પટેલની સારવાર ચાલી રહી હતી. ટૂંકી સારવાર બાદ તેનુ મોત નિપજયું છે. આરોપી જયેશ પટેલને કિડનીની સમસ્યા હોવાથી ડાયાલિસીસની સારવાર આપવી પડી હતી. જેના બાદ આજે જયેશ પટેલનું નિધન થયું છે.

જોકે, સોશિયલ મીડિયામાં આરોપી જયેશ પટેલના મોતની થયાની અફવાએ જોર પકડ્યું હતું. છેલ્લા ચાર દિવસથી તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો. આવામાં તેના મોતની વાતો વહેતી થઈ હતી.જોકે, આજે જયેશ પટેલના નિધનની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પારૂલ યુનિવર્સિટીમાં ૨૨ વર્ષની નર્સિંગની વિદ્યાર્થિનીએ જયેશ પટેલ પર રેપનો આરોપ લગાવ્યો હતો. જુલાઇ ૨૦૧૬થી આરોપી જયેશ પટેલ જેલના સળિયા પાછળ હતો. જયેશ પટેલે રેગ્યુલર જામીન માંગ્યા હતા, પરંતુ હાઇકોર્ટે જયેશ પટેલ વિરૂદ્ઘ ટ્રાયલની પ્રક્રિયા ઝડપી કરવા ટ્રાયલ કોર્ટને નિર્દેશ આપ્યા હોવાથી જયેશ પટેલના સલાહકારે રેગ્યુલર જામીન માટે અરજી ન કરતા તબીબી સારવાર કરવાના કારણોસર જામીન માગ્યા હતા.

(4:12 pm IST)