Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

ઉત્તર ગુજરાતને મેઘરાજાએ ઘમરોળી નાંખ્યાઃ બનાસ નદીના પાણી ફરી વળતા અનેક ગામો સંપર્ક વિહોણા

પાટણ,તા. ૨૫: સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ હાહાકાર મચાવી દીધો છે. રાજયના અનેક જિલ્લાઓ જળબંબાકાર થઇ ગયા છે. સૌરાષ્ટ્ર સહિતના અનેક જિલ્લાઓની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે. એવામાં મેઘરાજાએ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છને ઘમરોળ્યાં બાદ હવે ઉત્ત્।ર ગુજરાતને બાનમાં લીધું છે. ઉત્ત્।ર ગુજરાતમાં ભારે વરસાદના લીધે બનાસ નદીના પાણી ફરી વળતા અનેક ગામો સંપર્ક વિહોણાં બની ગયા છે. કારણે સૌથી વધુ અસરકારક બન્યું છે.

ગુજરાતમાં છેલ્લાં ૨૪ કલાકમાં ૨૪૨ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદે ઉત્ત્।ર ગુજરાતને જળબંબાકાર કરી દીધું છે. ઉત્ત્।ર ગુજરાતમાં મહેસાણા અને પાટણ ભારે વરસાદથી પાણી-પાણી થઇ ગયું છે.

પાટણ જિલ્લામાં અતિ ભારે વરસાદના કારણે જિલ્લાનું ધોળકડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ધોળકડા ગામ સંપર્ક વિહોણું બનતા તંત્ર ચિંતાગ્રસ્ત થઇ ગયું છે. ગામની આસપાસ બનાસ નદીનાં પાણી ફરી વળતા લોકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે. અતિ ભારે વરસાદના કારણે બનાસ નદી ઉફાન પર છે. ધોળકડા ગામના ૩૫થી વધુ ઘરોમાં નદીના પાણી ફરી વળ્યાં છે. તમને જણાવી દઇએ કે ઉપરવાસમાંથી વરસાદી પાણીની આવકમાં વધારો થતા આ સ્થિતિ સર્જાઇ છે.

ધોળકડા ગામના તમામ લોકોને પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરાયા હતાં. આ તમામ પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં. ગામના સરપંચ સહિત ગ્રામજનોએ વીડિયો બનાવીને તેને વાયરલ કર્યો હતો અને સોશિયલ મીડિયાનાં માધ્યમથી તંત્ર પાસે મદદની ગુહાર લગાવી હતી.

અત્રે નોંધનીય છે કે ગુજરાતમાં છેલ્લાં બે દિવસથી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યાં છે. સતત પડી રહેલા વરસાદના કારણે સોમવારે ૯ લોકો મોતને ભેટ્યાં છે. જયારે ૧૯૦૦ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર સહિત રાજયના અનેક ભાગોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાયી છે અને જનજીવન ખોરવાયું છે.

આ અંગે સરકારી અધિકારીઓનું કહેવું છે કે, રાજકોટમાં આજી ડેમ અને મહેસાણામાં કડી ડેમ એવા છે, જે પાણીથી છલકાઈ ગયા છે. આ સિવાય રાજયની મોટાભાગની નદીઓમાં નવા નીર આવ્યા છે. ડેમના ગેટ ખોલી નાંખવામાં આવતા કેટલીક નદીઓમાં દ્યોડાપૂરની સ્થિતિ સર્જાયી છે. જયારે નીચાણ વાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાયી છે.

(4:14 pm IST)