Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

૪૪ કરોડ બોગસ બિલિંગમાં જગદીશ દાતણીયા ઝડપાયો

ઇન્ડસ્ટ્રીના મોટા માથાના નામ આવવાની સંભાવના : ડીસા અને અમદાવાદમાં ત્રણ બોગસ કંપનીઓ રજિસ્ટર કરાવી અનેક ખોટા બિલો જનરેટ કરવામાં આવતા હતા

અમદાવાદ : જીએસટીએ ૪૪ કરોડના વધુ એક બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કરી બોગસ બિલિંગ કૌભાંડ ના માસ્ટર માઇન્ડ અમદાવાદ શાહપુર ના જગદીશ એસ દાતણીયાની ધરપકડ કરી વધુ તપાસ આદરી છે.જગદીશ દાતણીયા જુદા જુદા વ્યક્તિઓના નામ ડીસામાં બે અને અમદાવાદમાં એક કંપની રજિસ્ટર્ડ કરાવી બોગસ બિલ જનરેટ કર્યા હતા. જોકે તપાસમાં કેમિકલ ઇન્ડસ્ટ્રીના મોટા માથાઓને સંતવાણી બહાર આવે તેવી સંભાવના અધિકારીઓ જોઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી બોગસ બિલિંગ કૌભાંડ ધમધોકાર ચાલતું હોવાથી જીએસટી ના અધિકારીઓ ફરીથી એક્શનમાં આવી ગયા છે. વાર્ષિક હિસાબોની તપાસ માં ડીસાની બે કંપનીઓ અને અમદાવાદની એક કંપની દ્વારા મોટા પ્રમાણમાં કેમિકલની ખરીદ-વેચાણના કરવામાં આવ્યા હતા પરંતુ હકીકતમાં કોઈ ખરીદ વેચાણ થઈ રહી હોવાની વિગતો ડિપાર્ટમેન્ટ ને મળી હતી.

             જેને પગલે અધિકારીઓએ ડીસામાં આવેલી સેંધણ એન્ટરપ્રાઇઝ અને શીતલ એન્ટરપ્રાઇઝ તથા અમદાવાદમાં આવેલી ગજાનંદ એન્ટરપ્રાઇઝના હિસાબ ચેક કરતા કંપનીઓ બોગસ બિલ જનરેટ કરતી હોવાની વિગતો સામે આવી હતી. ત્રણેય કંપનીઓ અનુક્રમે અમિત ત્રિવેદી લીલાબેન ચૌધરી અને હિરેન શાહના નામે રજીસ્ટર થઇ હોવાનું તપાસમાં ખુલ્યું હતું જ્યારે કંપનીઓ શાહપુરમાં રહેતા જગદીશ એસ દાતણીયા ઓપરેટ કરતો હોવાનું ખુલ્લું હતું. ડિપાર્ટમેન્ટ દ્વારા જગદીશ દાતણીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

             પ્રાથમિક તપાસમાં જગદીશ દાદાની તેની બોગસ કંપનીઓમાં રૂપિયા ૪૪ કરોડના બોગસ બિલો  જનરેટ કર્યા હતા અને તેના આધારે સરકારને .૪૧કરોડોનો ચૂનો લગાવ્યો હતો. પ્રકરણની તટસ્થ તપાસ કરવામાં આવે તો અમદાવાદમાં ઘણા મોટા કેમિકલના વેપારીઓ પણ જરૂર દાતણીયા પાસેથી બોગસ બિલો લેતા હોવાનું બહાર આવી શકે તેમ અધિકારીઓ માની રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જીએસટી દ્વારા સિરામિક અને સીંગદાણાના કરોડો રૂપિયાના બોગસ બિલિંગ કૌભાંડની તપાસ ચાલી રહી છે જોકે તેમાં હજુ સુધી કોઈ મોટા માથાઓની સંડોવણી એપાર્ટમેન્ટની તપાસમાં બહાર આવી નથી કે પછી મોટા માથાઓના નામ બહાર લાવવામાં આવતા નથી તે એક સવાલ છે.

(8:04 pm IST)