Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

સાવધાન : કોઇપણ વ્યક્તિ ઉપર રંગ છાંટતા પકડાશો તો ગુનો નોંધાશે : અમદાવાદ પોલીસ દ્વારા જાહેરનામું

ધૂળેટીએ ટોળે વળીને કે વાહનો ઉપર રંગોત્સવ મનાવવા નીકળતાં કે પછી એક બીજા પર રંગ છાંટતા લોકોને પકડી પાડવા માટે પોલીસનું પેટ્રોલિંગ ગોઠવાશે

અમદાવાદ : આગામી 29 માર્ચે હોળી છે અને તે પહેલા કોરોનાનો કેર જોવા મળી રહ્યો છે. હોળી પહેલા દેશના આશરે ડઝનથી વધુ રાજ્યમાં ખતરાની ઘંટી જોવા મળી રહી છે. સરકારે લોકોને ઘરમાં જ તહેવાર મનાવવાની અપીલ કરી છે. કોરોનાના કેસમાં વધારાને જોતા તમામ રાજ્યની સરકારે હોળીના તહેવારને લઇને ગાઇડલાઇન જાહેર કરી છે. તો કેટલાક રાજ્યમાં હોળી અને શબ-એ-બારાતના સાર્વજનિક સમારંભ પર પ્રતિબંધ મુક્યો છે. અમદાવાદ પોલીસ દ્વારા પણ હોળીના તહેવારને લઇને જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.

અમદાવાદ પોલીસના જાહેરનામા અનુસાર, ધૂળેટીમાં કોઇ પણ વ્યક્તિ ઉપર રંગ છાંટશો, રંગ સાથે કે ટોળાંમાં નીકળશો તો પોલીસની ટીમ ઝડપી લે તેવું બની શકે છે. અમદાવાદ શહેર પોલીસમાં કડક પેટ્રોલિંગ ગોઠવવામાં આવશે અને પોલીસ સ્ટેશનોને વધારાનો ફોર્સ ફાળવવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. ધૂળેટીએ સવાર-સાંજ સઘન પેટ્રોલિંગ સાથે પોલીસને સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ આપવામાં આવશે. પોલીસ કમિશનરે હોળી-ધૂળેટીના તહેવારને લઇ જાહેરનામુ બહાર પાડતા નિયમભંગ કરનાર નાગરિકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે

ધૂળેટીએ ટોળે વળીને કે વાહનો ઉપર રંગોત્સવ મનાવવા નીકળતાં કે પછી એક બીજા પર રંગ છાંટતા લોકોને પકડી પાડવા માટે પોલીસનું પેટ્રોલિંગ ગોઠવવામાં આવશે. વાહનો ઉપર કે ચાલીને ધૂળેટી મનાવવા નીકળતા લોકો ઉપર નજર રાખવા 1500 જેટલા સીસીટીવીથી નજર રાખવામાં આવશે. ખાસ કરીને શહેરના મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિક સિગ્નલ ઉપર લગાવવામાં આવેલા સીસીટીવીથી રંગે રમવા નીકળેલા લોકો ઉપર નજર રાખવામાં આવશે. રંગોત્સવ માટે ટોળાશાહી થતી જોવા મળશે તો સીસીટીવી કંટ્રોલ રૂમમાંથી સ્થાનિક પોલીસને વોકીટોકી સેટથી જાણ કરાશે અને પોલીસ પહોચી જઇને તુરંત કાર્યવાહી કરી શકે છે.

(11:46 am IST)