Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા ગયેલા IIMના 5 વિદ્યાર્થીઓ બન્યા સુપર સ્પ્રેન્ડર

છેલ્લા 4 દિવસમાં અમદાવાદ IIMમાં કુલ 40 લોકો કોરોના સંક્રમિત

અમદાવાદ : અમદાવાદની IIMમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ જોઇને આવેલા 5 વિદ્યાર્થીઓ સુપર સ્પ્રેન્ડર બન્યા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોયા બાદ સંક્રમિત થયેલા IIMના 5 વિદ્યાર્થીઓએ વાતને છુપાવી હતી. છેલ્લા 4 દિવસમાં અમદાવાદ IIMમાં કુલ 40 લોકો કોરોના સંક્રમિત થયા છે. ગઇકાલે IIMમાં વધુ 17 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

  IIM અધિકારીઓનો દાવો છે કે 12 માર્ચે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટી-20 મેચ જોવા ગયેલા 6 વિદ્યાર્થીઓના એક જૂથમાંથી 5 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ વિદ્યાર્થીઓના કોરોના સંક્રમિત થયા બાદ કેમ્પસમાં કોરોનાના કેસ આવવાના શરૂ થયા હતા.

 IIM અમદાવાદના અધિકારીઓએ જણાવ્યુ કે પહેલા માત્ર પાંચ વિદ્યાર્થી જ કોરોના પોઝિટિવ આવ્યા હતા, જે બાદ અન્ય વિદ્યાર્થી અને શિક્ષકો પર તેની અસર પડી હતી અને  23 માર્ચે જ તેમાંથી 11 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. સંક્રમિત વિદ્યાર્થીઓને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા નહતા. પીજીપી-2ના વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો કે સંસ્થાએ ના તો કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓને આઇસોલેટ કર્યા અને ના તો તેમણે 18-19 માર્ચે યોજાયેલી ઓફલાઇન પરીક્ષામાં સામેલ થતા રોક્યા હતા. આ કારણે IIMમાં કોરોનાના કેસ અચાનક વધી ગયા અને તમામના સ્વાસ્થ્યને ખતરામાં મુકી દીધો હતો. જોકે, IIM અમદાવાદે આ ગંભીર આરોપોને ફગાવી દીધા છે

  ઉત્તર પશ્ચિમ ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડૉ. મેહુલ આચાર્યએ કહ્યુ કે, IIM કેમ્પસના વિદ્યાર્થીઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ડોમ ઉપર ચેકિંગ કરાવ્યું હતું પણ ઇન્ડિયન ઇંસ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) કેમ્પસનું સરનામું આપ્યુ નહતું, તેના બદલામાં તેમણે પોતાના વતનના સરનામા આપ્યા હતા. IIM કેમ્પસમાં કોરોનાના કેસ વધતા વિદ્યાર્થીઓનું ગુરૂવારે ચેકિંગ કરવામાં આવતા 17 વિદ્યાર્થીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. બે સેમ્પલમાં ઉંમર વધુ હોવાથી IIMના પ્રોફેસર કોરોના સંક્રમિત થયા હોવાનું AMCનું અનુમાન છે

IIM અમદાવાદે બચાવ કરતા કહ્યુ, ઘટનાનું સત્ય આ છે કે, જેવા જ વિદ્યાર્થીઓની પોઝિટિવ રિપોર્ટ આવી, વોર્ડન ઓફિસ તરફથી વિદ્યાર્થીઓને કોલ કરીને તેમણે બહાર નીકળવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો અને ક્વોરન્ટાઇન સેન્ટર જવા માટે એક કલાકની અંદર પોતાના સામાન સાથે તૈયાર રહેવા કહેવામાં આવ્યુ હતું. એક કલાકની અંદર જ વિદ્યાર્થીઓને ક્વોરન્ટાઇન સેન્ટરમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા

(12:28 pm IST)