Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

આ ઘટના જ ગુજરાત મોડલની હકિકતઃ ખેડૂતોનો અવાજ દબાવી શકતો નથી, ખેડૂતનો સંઘર્ષ હવે વધુ ઝડપી બનાવાશેઃ અમદાવાદમાં ખેડૂત નેતા યુધ્‍ધવીરસિંહની પત્રકાર પરિષદમાં ધરપકડ કરાતા રાકેશ ટિકૈતે આક્રોશ ઠાલવ્‍યોઃ 4-5 એપ્રિલે ગુજરાતની મુલાકાત લેશે

અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ત્રણ નવા કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂત આંદોલનને ચાર વર્ષ પૂર્ણ થઇ ગયા છે. અમદાવાદમાં સંયુક્ત કિસાન મોર્ચાના આગેવાન સહિત 5 ખેડૂત નેતાઓ પત્રકાર પરિષદ કરી રહ્યા હતા, આ દરમિયાન પોલીસે તેમની ચાલુ પ્રેસ કોન્ફરન્સે અટકાયત કરી હતી.

શહેરના મોટેરાના તપોવન સર્કલ ખાતે સંયુક્ત કિસાન મોર્ચાના સચિવ યુદ્ધવીર આવ્યા હતા તેમની સાથે ધરતી પુત્ર ટ્રસ્ટના ગજેન્દ્ર સિંહ અને જગતાત ફાઉન્ડેશનના જે.કે.પટેલ હાજર હતા. તમામ દ્વારા દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી રહી હતી, તે દરમિયાન જ ચાંદખેડા પોલીસ દ્વારા ત્રણેય આગેવાનો સહિત કુલ 5 લોકોની અટકાયત કરવામાં આવી છે. રાકેશ ટિકૈતના ગુજરાત પ્રવાસને લઇને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ હતું. પોલીસે અટકાયત બાદ કહ્યુ કે પરમિશન વગર આયોજન કરવામાં આવ્યુ હતું. અમદાવાદમાં ખેડૂત નેતા યુદ્ધવીર સિંહની અટકાયત મામલે રાકેશ ટિકૈતે ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા હતા અને કહ્યુ કે, આ ઘટના જ ગુજરાત મોડલની હકીકત છે.

રાકેશ ટિકૈતે ટ્વીટ કરતા કહ્યુ, ગુજરાતના અમદાવાદમાં ખેડૂત નેતા યુદ્ધવીર સિંહને પત્રકાર પરિષદ દરમિયાન ધરપકડ કરવા જ ગુજરાત મૉડલની હકીકત છે. ખેડૂતોનો અવાજ દબાવી નથી શકાતો, ખેડૂતનો સંઘર્ષ હવે વધુ ઝડપી બનાવાશે.

રાકેશ ટિકૈત આવશે ગુજરાત

રાકેશ ટિકૈત 4-5 એપ્રિલે ગુજરાત આવશે. રાકેશ ટિકૈત પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન 5 એપ્રિલે ગાંધી આશ્રમની મુલાકાત પણ લેવાના છે. રાકેશ ટિકૈત 4 એપ્રિલે અંબાજીના દર્શન કરી પ્રવાસની શરૂઆત કરશે. રાકેશ ટિકૈત પાલનપુર ખાતે ખેડૂત સંમેલન યોજશે.

રાકેશ ટિકૈત ઉંઝામાં ઉમિયા માતા મંદિરે દર્શન પણ કરશે અને 5 એપ્રિલે ગાંધી આશ્રમની મુલાકાત લેશે. રાકેશ ટિકૈત 5 એપ્રિલે કરમસદના સરદાર સ્મારકની પણ મુલાકાત લેશે અને બારડોલીમાં કિસાન સમ્મેલન પણ સંબોધશે.

(5:04 pm IST)