Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

સુરતના સચિન જીઆઈડીસીમાં પૈસાની લેતીદેતી મામલે વિક્રેતાએ ચપ્પુના ઘા જીકતા ઈજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમ્યાન મોત

સુરત: સચિન જીઆઇડીસીમાં બરફ ફેકટરી નજીક શાકભાજી વિક્રેતા અને ગ્રાહક વચ્ચે પૈસાની લેતીદેતીમાં વિક્રેતાએ ચપ્પુના ઘા ઝીંકતા ઇજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે. 

સચિન જીઆઇડીસીમાં બરફ ફેકટરી ચાર રસ્તા પાસે ઉપર શાકભાજીનો ધંધો કરતા લાલાભાઇના કારીગર શત્રુઘ્ન સાથે એક યુવાન ઝઘડો કરી મારામારી કરી રહ્યો  હતો. જેથી નજીકમાં સ્ટોલ લગાવી મોબાઇલ સીમકાર્ડ વેચાણ કરતા દુશ્યંત શોભનાથ પટેલ (ઉ.વ. 35 રહે. ગુરૂકૃપા સોસાયટી, બરફ ફેકટરી પાસે સચિન જીઆઇડીસી) બંનેને ઝઘડો કરતા અટકાવી છુટા પાડયા હતા. શત્રુઘ્ને દુશ્યંતને કહ્યું હતું કે ઝઘડો કરનાર બાગેશ્વરરાય ઉર્ફે હીરો રાજકુમાર રાય (ઉ.વ. 40 રહે. ગૌતમની ચાલ, બરફ ફેકટરી પાસે, સચિન જીઆઇડીસી) એ મારી પાસે શાકભાજી ખરીદી હતી અને તેના પૈસા માંગતા ઝઘડો કરી તું મારી પાસેથી શાકભાજીના પૈસા માંગે છે એમ કહી ઝઘડો કર્યો હતો. ત્યાર બાદ બાગેશ્વરરાય ઉર્ફે હીરો નજીકમાં જઇને સૂઇ ગયો હતો ત્યાં જઇ શત્રુઘ્ન ચપ્પુ લઇને ઘસી જઇ પેટમાં ચાર ઘા ઝીંકી દીધા હતા. જેથી દુશ્યંત અને નજીકના દુકાનદારે બુમાબુમ કરતા શત્રુઘ્ન ત્યાંથી ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત બાગેશ્વરનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરવાની તજવીજ હાથ ઘરી છે.

(5:12 pm IST)