Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

જંત્રીના દરો બનશે તર્કસંગત : વિસંગતતાઓ દુર કરાશે

અમુક ચોક્કસ વિસ્તારોમાં જંત્રીના દરો રીવાઇઝડ કરી બજારભાવ સાથે નક્કી થશે : નવા દરો ડિસેમ્બર સુધીમાં ફાઇનલ કરી દેવાશેહાલ શહેરો અને નગરોના 'પોશ વિસ્તારો'ના જંત્રીના દરો અન્યો કરતા ઓછા છે : અનેક ફરિયાદો પણ ઉઠી છે : પ્રથમ તબક્કામાં ગ્રામિણ વિસ્તારોમાં સર્વે હાથ ધરી દરો નક્કી થઇ રહ્યા છે : બીજા તબક્કામાં શહેરોમાં રીવીઝન હાથ ધરાશે

અમદાવાદ તા. ૨૭ : રાજ્યના રેવન્યુ વિભાગે રાજ્યભરમાં જંત્રી દરો સુધારવા માટેની કવાયત શરૃ કરી છે. જંત્રીના દરોમાં ઘણી બધી વિસંગતતાઓ છે. રાજ્ય સરકાર તે દુર કરવા માંગે છે. અત્યારે શહેરોના અને નગરોના પોશ પોકેટોમાં જંત્રી દર અન્ય વિસ્તારો કરતા ઓછા છે.

જંત્રી દરો બાબતે ઘણી બધી ફરિયાદો મળી રહી છે. ખાસ કરીને ૧૬ એપ્રિલથી અમલમાં આવેલ ૧૦૦ ટકાના વધારા પછી જંત્રી દરમાં સુધારો ડીસેમ્બરના અંત સુધીમાં કરી દેવામાં આવશે. પ્રાથમિક તબક્કામાં રેવન્યુ વિભાગે ગ્રામ્ય વિસ્તારોમાં સર્વે શરૃ કરી દીધા છે અને ભાવો નક્કી કરાય રહ્યા હોવાનું વિભાગના એક સીનીયર અધિકારીએ કહ્યું હતું. ગામડાઓમાં ગામ તળ, ખેતરોની નજીકના વિસ્તારો, તળાવ વગેરેની નજીકના વિસ્તારોના જંત્રી દરોમાં તકલીફ છે. રેવન્યુ સ્ટાફ ગ્રાઉન્ડ સર્વે કરી રહ્યો છે જેના આધારે નવા દરો નક્કી કરવામાં આવશે.

બીજા તબક્કામાં શહેરોમાં જંત્રી દર સુધારણા હાથમાં લેવાશે. શહેરોમાં આ મોટું કામ છે અને તેમાં ગામડાઓ કરતા ઘણો વધારે સમય લાગશે એવું અધિકારીએ કહ્યું હતું. દાખલા તરીકે અમદાવાદમાં નવા વિકસીત થયેલ શીલજ, સીંધુ ભવન રોડ જેવા વિસ્તારોમાં જંત્રી દર આંબાવાડી, પાલડી અથવા નારણપુરા કરતા ઓછો છે. હકીકતમાં નવા વિસ્તારોમાં જમીનના ભાવો જુના વિસ્તારો કરતા બમણાથી પણ વધારે છે.

આ અધિકારીએ કહ્યું કે, આ મોંઘા વિસ્તારોમાં જંત્રી દરો વધારવામાં આવશે. જ્યારે અન્ય વિસ્તારોમાં ઘટાડવામાં આવશે.  આવી જ સ્થિતિ સુરત, રાજકોટ, વડોદરા વગેરે શહેરોમાં પણ છે. જંત્રી દરો એક દાયકાથી પણ વધારે સમય પહેલા નક્કી કરાયા હતા. આ સમયગાળા દરમિયાન બધા શહેરો નોંધપાત્ર રીતે વિકસી ગયા છે.

જંત્રી દરોમાં સાતત્ય જાળવવા માટે એક સાયન્ટીફીક ફોર્મ્યુલા વિકસીત કરવામાં આવશે. અધિકારીએ જો કે ચોખવટ કરી હતી કે ભાવ વધારામાં કોઇ રાહત નહીં મળે. જંત્રીના નવા દરો ૧૦૦ ટકા વધારાનો આધાર લઇને કરવામાં આવશે.

(11:01 am IST)