Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

૧૦ના સિક્કા - પાંચની નોટની 'અઘોષિત' બંધી : કોઇ લેતુ-દેતુ નથી

આ તે કેવા નિયમો ? ૧૦ના સિક્કા - પાંચની નોટ સૌરાષ્ટ્રમાં ન ચાલે અમદાવાદમાં ચાલે : પાંચની નોટને ચોર પણ અડતા નથી : ૧૦ના સિક્કાના બેંકોમાં ઢગલા : નવી નોટ આવતી નથી : હવે ૧૦ની નોટના જુના બંડલો પણ ઓછા દેખાય છે

અમદાવાદ તા. ૨૭ : અમદાવાદના માધવપુરાની મસાલા માર્કેટમાં ચોરીના એક કિસ્સામાં દુકાનદારને આશ્ચર્ય ત્યારે થયું જ્યારે ચોરો તેની દુકાનમાંથી બધી રોકડ ચોરી ગયા પણ ૫ રૃપિયાની ૨૦ નોટ પડી હતી તેને અડયા પણ નહીં.

૨૦૦૦ની નોટો બેંકમાં જમા કરાવવા માટે લાઇનો લાગે છે ત્યારે રાજ્યભરના ઘણાં ઘરોમાં ૫ રૃપિયાની નોટ અને ૧૦ રૃપિયાના સિક્કા એમને એમ પડી રહ્યા છે કારણ કે ચોરો તો તે નથી ચોરતા પણ દુકાનદારો પણ તેને બોજરૃપ માની રહ્યા છે. આ કાયદેસરના ચલણો ઘણાં રેસ્ટોરન્ટો, રોડ પરની દુકાનો કે રિક્ષા ડ્રાઇવરો કેટલાક નાના શહેરો અને ગામડાઓમાં નથી સ્વીકારાતા.

માધવપુરા મસાલા માર્કેટના વેપારીએ કહ્યું 'પાંચ રૃપિયાની નોટો કોઇ સ્વીકારતુ નથી પણ અમે મહેસાણાથી આવેલા કાયમી ઘરાકને ના નહોતા પાડી શકયા. એક જ રાત્રે ચોરો ત્રાટકયા હતા અને દુકાન તોડીને સિક્કા સહિતની બધી રોકડ ઉપાડી ગયા હતા પણ આ ૨૦ નોટો અડયા વગરની એમને એમ પડી રહી હતી.'

ગુજરાતમાં મુસાફરી કરતા સામાજીક કાર્યકર સંજય પરમારને પણ ૧૦ રૃપિયાનો સિક્કો વાપરવામાં મુશ્કેલીઓ પડે છે. તેમણે કહ્યું 'મેં જોયું છે કે હિંમતનગર, દહેગામ અને ઉત્તર ગુજરાતના અન્ય ભાગના એસટી કંડકટરો પણ ૧૦ રૃપિયાનો સિક્કો સ્વીકારવાની ના પાડી દે છે.'

બેન્કરો કહે છે કે આ ચલણો સ્વીકારવાની લોકો ના પાડે છે. કેમકે એવી જબરદસ્ત અફવા લોકોમાં ફેલાયેલી છે કે રૃપિયા ૧૦નો સિક્કો અને રૃપિયા પાંચની નોટ ચલણમાંથી નીકળી જવાની છે. તેમણે અન્ય કારણ એ જણાવ્યું કે સીક્કાઓના કારણે પાકીટ કે ખીસ્સામાં વજન પણ વધી જતું હોય છે.

બેંકોમાં ૧૦ના સિક્કાના ખડકલા થયા છે. ૧૦ની નવી નોટ આવતી નથી એટલું જ નહિ ૧૦ની નોટના જુના બંડલ પણ મળવા મુશ્કેલ થઇ રહ્યા છે.(૨૧.૫)

રાજકોટમાં પણ આવી જ સ્થિતિ

રાજકોટમાં પણ આવી જ સ્થિતિ છે, કારણ કે દુકાનો અને સ્ટ્રીટ ફૂડના વેપારીઓ રૃપિયા ૧૦-૨૦ના સિક્કા સ્વીકારતા નથી અને રિક્ષા ચાલકો દ્વારા પણ તે સ્વીકારવામાં આવતા નથી. જે બેંકોને કરન્સી ચેન્ટમાંથી નોટો સાથે આ સિક્કા મળે છે, તેઓએ આ સિક્કાને સુરત મોકલવાના હોય છે. રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંકના સીઈઓ પુરષોત્તમ પિપલિયાએ જણાવ્યું કે, એવી અફવા છે કે રૃપિયા ૧૦ અને ૨૦ના સિક્કા ચલણમાં નથી અને તેથી જ લોકો તેને સ્વીકારતા નથી. બીજુ કારણ તેનો આકાર છે. શાકભાજીના વેપારીઓ અને રિક્ષા ચાલકો જયારે છૂટ્ટા આપે છે ત્યારે તેમાં કોઈ ભૂલ કરવા માગતા નથી, કારણ કે આ સિક્કા રૃપિયા ૧-૨-૫ના સિક્કાઓ જેવા જ છે.

(11:04 am IST)