Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

GST વિભાગે ૧૦ દિવસમાં ૧૮૦ પેઢીઓ પર તપાસ કરી : ૯૦ બોગસ

ચીટર વેપારીઓએ કોમર્શિયલ બિલ્‍ડિંગોમાં ભાડેથી દુકાનો રાખી હતી આગામી દિવસોમાં ક્રેડિટ બ્‍લોક કરી માલ ખરીદનારાઓ પાસે વસુલી કરાશે

સુરત,તા. ૨૭ : જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલિંગ કરનારી બોગસ પેઢીઓને ઝડપી પાડવા માટે ૧૬ મેથી સુરત સહિત દેશભરમાં મોટાપાયે અભિયાન હાથ ધરવામાં આવ્‍યુ છે. જેમાં છેલ્લા ૧૦ દિવસમાં સીજીએસટી અને એસજીએસટી દ્વારા કુલ ૧૮૦ પેઢીઓ પર તપાસ કરવામાં આવી હતી જે પૈકી ૯૦ પેઢીઓ બોગસ નીકળી હતી. આગામી દિવસોમાં જીએસટી ડિપાર્ટમેન્‍ટ ક્રેડિટ બ્‍લોક કરવાની સાથે તેમની પાસેથી માલ ખરીદી કરનારાઓ પાસે ટેક્‍સ વસૂલીની કાર્યવાહી શરુ કરશે. જીએસટી વિભાગના સુત્રો પાસથી જાણવા મળેલી માહિતી મુજબ દેશભરમાં વધી રહેલી ટેક્‍સચોરી અને બોગસ બિલિંગના કેસોને ધ્‍યાને રાખે સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્‍ટ ટેક્‍સ એન્‍ડ કસ્‍ટમ દ્વારા સુરત સહિત દેશભરમાં મોટાપાયે વેરિફિકેશનની કામગીરી શરુો કરવામાં આવી છે. જેમાં જીએસટીના ઇન્‍ટેલિજન્‍સ યુનિટ દ્વારા એસજીએસટી તેમજ સીજીએસટીને શંકાસ્‍પદ પેઢીઓની યાદી મોકલવામા આવી છે. જેના આધારે અધિકારીઓ સ્‍પોટ વેરિફિકેશન કરી રહ્યા છે. જેમાં પાર્ટીઓ ખરેખર વેપાર કરી રહી છે કે ફક્‍ત બિલિંગ કરે છે તે જાણવા માટે કેટલીક બાબતો માટેની તપાસ કરવામાં આવી રહી છે. અત્‍યાર સુધી સીજીએસટી અને એસજીએસટી દ્વારા ૧૮૦ પેઢીઓ પર તપાસ કરવામાં આવી છે જેમાં ૯૦ પેઢીઓ બોગસ નીકળી. તપાસ દરમિયાન બોગસ બિલિંગ કરનારી મોટાભાગની પેટ્રીઓના સંચાલકો દ્વારા ત્રીજા કે ચોથા માળે માત્ર દેખાડા માટે ઓફિસ શરુ કરવામાં આવી હતી. ઓફિસની બહાર પેઢીનું નામ અને જીએસટી નંબર હતો પરંતુ ત્‍યાં કોઈ વેપાર નહતો. આ પેઢીઓ દ્વારા ફક્‍ત બિલિંગ કરવા માટે જીએસટી ડિપાર્ટમેન્‍ટ પાસેથી જીએસટી રજીસ્‍ટ્રેશન લેવામાં આવ્‍યુ હતુ. જીએસટી વિભાગ દ્વારા હજી જુલાઇ મહીના સુધી આ તપાસ કામગીરી શરું કરવામાં આવશે. તપાસ પછી જે પેઢીઓ બોગસ સાબિત થઇ છે. તેમની ક્રેડિટ બ્‍લોક કરવાની સાથે તેમની પાસેથી માલ ખરીદી કરનારાઓ પાસેથી પણ ટેક્‍સની વસૂલાત કરવામાં આવશે.

(12:26 pm IST)