Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

નર્મદામાંથી 3000 આદીવાસીઓ અમદાવાદ ખાતે ડી-લિસ્ટીંગની રેલીમાં જવા રવાના

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: ધર્માતરીત થયેલા આદીવાસીઓને અનુસૂચિત જનજાતિ માંથી બહાર કાઢવાની માંગ ઊઠી છે. આ બાબતને લઈને નર્મદા જિલ્લામાં જનજાતિ સુરક્ષા મંચ દ્વારા જિલ્લાના 100થી વધુ ગામડાઓ ખુંદી વળી ધર્માતરીત થયેલા આદીવાસીઓને પરત ફરવા માટે સમજાવવામાં આવ્યા હતા.આ તમામની વચ્ચે અમદાવાદ ખાતે ધર્માતરીત થયેલા આદીવાસીઓને અનુસૂચિત જનજાતિ માંથી બહાર કાઢવાની માંગ સાથે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

  આ મહારેલીનો મૂળ ઉદેશ્ય એવો છે કે ધર્માતરીત થયેલા આદીવાસીઓને અનુસૂચિત જનજાતિમાંથી બહાર કાઢો અને મળતાં આદિવાસીઓના હકમાંથી બાકાત કરો.આ બાબતનો કેન્દ્ર સરકાર કાયદો બનાવે એવી દેશ ભરમાં જનજાતિ સુરક્ષા મંચ માંગ કરી રહ્યું છે. અમદાવાદ ખાતે યોજાઈ રહેલી રેલીમાં ડો.પ્રેમ પ્યારી તડવીની આગેવાનીમાં નર્મદા જિલ્લામાંથી 3 હજાર આદિવાસીઓ જવા રવાના થયા હતા.ભાજપ સાંસદ મનસુખ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અનિરુદ્ધસિંહ ગોહીલે રેલીને ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.

 આ રેલીમાં ઉપસ્થિત આદિવાસીઓએ એવી માંગ કરી હતી કે જે ધર્માતરીત થયેલા આદીવાસીઓએ માંગ કરી હતી કે જે આદિવાસીઓ ધર્માતરીત થયા છે, આદીવાસી સંસ્કૃતિને અને દેવી દેવતાઓને માનતા નથી એમનું ડી- લિસ્ટીંગ થવું જોઈએ.અત્રે એ ઉલ્લેખનીય છે કે ડી- લિસ્ટીંગ માટે ભુતકાળમાં ભાજપ સાંસદ મનસુખ વસાવા પણ અવાજ ઉઠાવ્યો હતો.

(10:14 pm IST)