Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

ભાજપના પૂર્વ આરોગ્યમંત્રી જયનારાયણ વ્યાસ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા

 જયનારાયણ વ્યાસે સિદ્ધપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને ટેકો જાહેર કર્યો :ભાજપને આડેહાથ લેતા આકરા પ્રહારો કર્યા :કહ્યું - હું જ્યાં સુધી કાર્યરત રહીશ ત્યાં સુધી સિદ્ધપુર માટે કામ કરતો રહીશ

અમદાવાદ : રાજયના પૂર્વ  આરોગ્ય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતાએ જાહેરમાં કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કરીને સૌને ચોંકાવી દીધા, દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસે ભારતીય જનતા પાર્ટીમાંથી 20 દિવસ પહેલા રાજીનામું આપ્યું હતું, હવે તેઓ ભાજપની સામે ઉતર્યા છે. તેમણે સિદ્ધપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને ટેકો જાહેર કર્યો છે.

  સિદ્ધપુર માં ભાજપમાંથી રાજીનામુ આપનાર પૂર્વ ધારાસભ્ય જયનારાયણ વ્યાસ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા, તેમણે સિદ્ધપુર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને ટેકો જાહેર કરી મોટી લીડથી જીતાડવા હાકલ કરી છે.બીજી તરફ જયનારાયણ વ્યાસે ભાજપને આડેહાથ લેતા આકરા પ્રહારો કર્યા હતા. હું જ્યાં સુધી કાર્યરત રહીશ ત્યાં સુધી સિદ્ધપુર માટે કામ કરતો રહીશ.

  જયનારાયણભાઈનો મતવિસ્તાર સિદ્ધપુર રહ્યો છે. આ બેઠક પર નવું સીમાંકન લાગુ થયું ત્યાં સુધી બ્રાહ્મણ અને સવર્ણ મતદારોનું વર્ચસ્વ હતું એટલે ભાજપના ઉમેદવાર તરીકે જયનારાયણની જીત ખાસ મુશ્કેલ ગણાતી ન હતી. 2008માં નવું સીમાંકન લાગુ થયું એ પછી સિદ્ધપુર મત વિસ્તારમાં મુસ્લિમોના આઠ ગામ ઉમેરાયા અને ઠાકોર સમાજની વસ્તીમાં પણ નોંધપાત્ર વધારો થયો એ પછી જૂનાં સમીકરણો વેરવિખેર થઈ ગયા. 2012ની ચૂંટણીમાં જયનારાયણે મતવિસ્તાર બદલવાની માંગણી કરી હતી પણ ભાજપ હાઈકમાન્ડે તે નકારી દીધી હતી અને તેમને સિદ્ધપુરથી જ લડવાની ફરજ પાડી. પરિણામે જયનારાયણ ધારણા મુજબ એ બેઠક પરથી હારી ગયા અને એ પછી ભાજપે પણ તેમને હાંસિયામાં ધકેલી દીધા હતા 

(6:29 pm IST)