Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

નરોડામાં મીની લેબમાં એમડી ડ્રગ્સ ઉત્પાદન કરતી ફેકટરી પકડાઈ : સપ્લાયર અને બે પેડલર સહિત ચારની ધરપકડ

ચાર શખ્સોની એનડીપીએસના અલગ અલગ ત્રણ ગુન્હામાં ધરપકડ કરી સમગ્ર નેટવર્કનો ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ કરાયો

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નવા નરોડા વિસ્તારમાં મીની-લેબ બનાવી મેથા મ્ફેટામાઇન ડ્રગ્સનું ઉત્પાદન કરનાર ડ્રગ્સની ફેકટરી પકડી પાડી હતી. ઉત્પાદન કરનાર શખ્સ, મુખ્ય સપ્લાયર, બે ડ્રગ્સ પેડલર મળી કુલ ચાર શખ્સોની એનડીપીએસના અલગ અલગ ત્રણ ગુન્હામાં ધરપકડ કરી સમગ્ર નેટવર્કનો ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ કરાયો હતો.

ઉલ્લેખનીય છે કે, નરોડા વિસ્તારમાંથી થોડા સમય અગાઉ સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કરી જુગરનો અડ્ડો પકડી પડ્યો હતો ત્યારે ફરી એક વાર ક્રાઇમ બ્રાન્ચે નરોડા વિસ્તારમાંથી ડ્રગ્સની ફેકટરી પકડી પાડી હતી.

થલતેજ આરોહિ એપાર્ટમેન્ટ ખાતેથી રવિ મુકેશકુમાર શર્માના કબ્જાના મકાનમાંથી કુલ 23.86 ગ્રામ એમડી તથા ત્રાગડ રોડ, સાગા ફ્લેટ પાસેથી અસીતકુમાર રમેશકુમાર પટેલના કબ્જામાંથી કુલ 50 ગ્રામ એમડી તથા અલ્તાફ ઇકબાલભાઇ શેખ પાસેથી કુલ 23 ગ્રામ એમડી કબ્જે કરી અલગ અલગ ગુન્હાઓ દાખલ કરવામાં આવ્યા હતા. જે ગુન્હાઓના મુળ સુધી તપાસ કરવામાં આવતા આરોપી રવિ શર્મા અસીતકુમાર રમેશકુમાર પટેલ પાસેથી એક ગ્રામ એમડી ડ્રગ્સ 1100 થી 1200 રૂપિયાના ભાવે મેળવી અમદાવાદના મોઇનુદીન ઉર્ફે બોખો કમાલુદીન શેખ તથા વજીઉદ્દીન ઉર્ફે વજ્જુ હફીઝુદ્દીન શેખ નામના પેડલરોને વેચાણ આપતો હતો.

આ બંને પેડલરોની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી મુખ્ય સપ્લાયર પંકજ પટેલ અને એમડી ડ્રગ્સ બનાવનાર આરોપી બિપિન પટેલની પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. બિપિન પોતે સાયન્સ કેમેસ્ટ્રી અને વિષયનો સારો જાણકાર હોવાથી ડ્રગ્સ બનાવવા માટેનો કાચો સપ્લાય મેળવી અને ડ્રગ બનાવતો હતો. નવા નરોડા વિસ્તારમાંથી ડ્રગ્સ લેબનો પર્દાફાશ કર્યો છે.

આરોપી અસિતકુમાર રમેશકુમાર પટેલ માણસા ખાતે મેડિકલ સ્ટોર ધરાવી વેપાર કરતો હતો અને પોતે છેલ્લા ત્રણ અમદાવાદ ખાતે રહેવા આવ્યો હતો. તે વખતે રીયલ એસ્ટેટ બ્રોકર તથા હોલસેલ મેડિકલ સપ્લાયર તરીકે કામ કરતો હતો. રવિ શર્મા ગોતા વિસ્તારમાં મકાન ભાડે અપાવતા પરિચય થયો હતો. ત્યાર બાદ રવિ શર્મા એમડીનું સેવન કરતો હોવાનું અસિત પટેલને જાણવા મળતાં એમડી ઊંચા ભાવે વેચાણ કરી તેમાં સારી કમાણી થતી હોવાથી એમડી બનાવવાનું વિચાર્યું હતું.

આરોપી પોતે ડ્રગ્સ એન્ડ કેમેસ્ટ્રી વિષયમાં સ્નાતક હતો જેથી નવા નરોડા આર પી વછાણી સ્કૂલ નજીક આવેલી રાધેશ્યામ રેસિડેન્સીમાં પંકજ પટેલ દ્વારા કી મટિરિયલ ફોર મિથાઇલ પ્રોપ્યોફીનોનથી પોતાના લિફ્ટ રૂફનો કબ્જો રાખી મીની લેબ તૈયાર કરી હતી.

ગઇ નવરાત્રિ દરમિયાન એમડી બનાવવાનું અન્ય મટિરિયલ મેળવી મેથામ્ફેટામાઇન ડ્રગ્સ (એમડી) ઉત્પાદન કરતો હતો અને એક ગ્રામ એમડી ડ્રગ્સ 400 રૂપિયાના ભાગે પંકજ પટેલને આપતો હતો. આરોપી બિપિનકુમાર પટેલના રહેણાક ખાતેની મિનિ લેબમાંથી એમડી ડ્રગ્સ બનાવવા અંગેની ચીજ વસ્તુઓ અને પદાર્થો સીઝ કરવામાં આવ્યા છે. તેમજ ઉપરોક્ત મિનિ લેબ ખાતે એફએસએલના પરીક્ષણમાં એમડી તથા અન્ય રાસાયણિક પદાર્થોની હાજરી પણ મળી આવી છે.

(9:10 pm IST)