Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

રાજ્યમાં કોઈપણ ટ્રાવેલ હિસ્ટ્રી વગરના નવા 3 કેસ સહીત ઓમીક્રોનના વધુ 6 કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં ખેડામાંથી 3, અમદાવાદમાંથી 2 જ્યારે રાજકોટમાંથી ઓમિક્રોનનો 1 નવો કેસ

અમદાવાદ : રાજયમાં છેલ્લા 24 કલાકમાં ખેડામાંથી 3, અમદાવાદમાંથી 2 જ્યારે રાજકોટમાંથી ઓમિક્રોનનો 1 નવો કેસ સામે આવ્યો છે. આ સાથે જ રાજ્યમાં ઓમિક્રોન સંક્રમિતનો કુલ આંક હવે 49 થઇ ગયો છે.  આ પૈકી 28 કેસ માત્ર છેલ્લા 3 દિવસમાં સામે આવ્યા છે.

કોરોના વાયરસના નવા વેરિયેન્ટ ઓમિક્રોનનો ફેલાવો પણ ગુજરાતમાં ચિંતાજનક રીતે વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ખેડામાંથી સૌથી વધુ 3 નવા કેસ સામે આવ્યા છે. જેમાં 38 વર્ષીય પુરુષ, 35 વર્ષીય મહિલા અને 10 વર્ષની દીકરી તાજેતરમાં લંડનપ્રવાસેથી પરત ફર્યા હતા. આ સાથે જ ખેડામાં ઓમિક્રોનના કુલ હવે 6 કેસ થઇ ગયા છે. અમદાવાદ શહેરમાંથી 50 વર્ષીય અને 28 વર્ષીય એમ બે મહિલાઓ  ઓમિક્રોનના સંક્રમણમાં સપડાઇ છે, તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી પણ નથી. રાજકોટ શહેરમાંથી 22 વર્ષીય મહિલા ઓમિક્રોન સંક્રમિત થઇ છે, તેમણે તાજતેરમાં યુનાઇટેડ કિંગડમનો પ્રવાસ કર્યો હતો.

રાજ્યમાં ઓમિક્રોનના કુલ 49 કેસમાંથી 10 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે જ્યારે હજુ સુધી એકપણનું મૃત્યુ થયું નથી. હાલમાં વડોદરામાં સૌથી વધુ 16, અમદાવાદમાં 11, ખેડામાંથી 6, આણંદમાંથી 4, રાજકોટમાંથી 2 દર્દી ઓમિક્રોન સંક્રમણની સારવાર હેઠળ છે.

ગઇકાલે ઓમિક્રોન પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી ત્રણ વ્યક્તિ પૈકી બે નડિયાદના હતા જે પરદેશથી આવ્યા હતા. જ્યારે બીજો વ્યક્તિ ડાકોરના અલીન્દ્રાનો લોકલ હોવાનું આરોગ્ય વિભાગ પાસેથી માહિતી મળી રહી છે. તો આજે નવા આવેલા પોઝિટિવ કેસ પૈકી બે અમદાવાદનાં પણ એવા કેસ છે જેની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. અત્રે નોંધનીય છે કે, ઓમિક્રોન હવે લોકલ સ્તર પર સંક્રમિત થવા લાગ્યો હોય તેવું સાબિત થઇ રહ્યું છે.

(9:21 pm IST)