Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત રાજપીપળા ખાતે "ફિટ ઈન્ડિયા ફિટ ગુજરાત" સાયક્લોથોન રેલી યોજાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજ્ય સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે ૨૫ મી ડિસેમ્બરથી ૩૧ મી ડિસેમ્બર,૨૦૨૧ સુધી યોજાનારા “સુશાસન સપ્તાહની ઉજવણી” ના ભાગરૂપે આજે જિલ્લા વિકાસ અધિકારી પી.ડી. પલસાણા,જિલ્લા પંચાયતના જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન નિલામ્બરીબેન પરમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે. પી. પટેલ, સિવીલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામીત, જિલ્લાના મહીલા અગ્રણી દર્શનાબેન દેશમુખે નર્મદા જિલ્લા પંચાયત ખાતે ફિટ ઈન્ડિયા ફિટ ગુજરાત સાયક્લોથોન દોડને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાયું હતું.

આ સાયક્લોથોન દોડ જિલ્લા પંચાયતના સંકુલ ખાતેથી ગાંધીચોક, જિલ્લા સેવા સદન, કોવિડ આયુર્વેદિક હોસ્પિટલ રોડ, નવા સર્કિટ હાઉસ જકાતનાકાથી પરત જિલ્લા પંચાયત સુધી સાયક્લિસ્ટોએ સાયકલ ચલાવી હતી જેમાં સિવિલ હોસ્પિટલના ડો.રાજકુમાર, ડો.મયંક પટેલ તેમજ જિલ્લા આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર ના ડોક્ટર્સ અને સ્ટાફ જિલ્લાના સામાજિક કાર્યકરો,શાળાના વિદ્યાર્થીઓ, સાયક્લિસ્ટો સહિત ૫૦ થી વધુ લોકોએ એનસીડીના નિવારણમાં શારીરિક પ્રવૃત્તિના મહત્વ અને ફિટ અને સ્વસ્થ રહેવા અંગેનો સંદેશો આપ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના જાહેર આરોગ્ય સમિતિના અધ્યક્ષ નિલામ્બરીબેન પરમાર અને જિલ્લાના મહિલા અગ્રણી ડૉ. દર્શનાબેન દેશમુખે સાયકલ ચાલન  થકી બિનચેપી રોગથી મુક્તિ અંગે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતાં તેમજ ભાગ લેનારા સહુ સાયક્લોથોન દોડવીરોને શુભેચ્છાઓ પાઠવી હતી.

(10:09 pm IST)