Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

પશ્ચિમ રેલ્વેના રાજકોટ સહિત ૪૬૮ સ્ટેશનોએ ફ્રી વાઇ-ફાઇ

યાત્રીઓ નિઃશુલ્ક ઉપયોગ કરી શકશે : મોટા સ્ટેશનો સાથે દુરના નાના સ્ટેશનોને પણ આવરી લેવાયાઃ મનોરંજન, શિક્ષણ તથા ઓફીસ કામ માટે ઉપયોગી બનશે

ગાંધીનગર, તા., ૨૭: પશ્ચિમ રેલવેના ૪૬૮ રેલ્વે સ્ટેશન વાઇ-ફાઇ સુવીધાથી લેસ થયા છે. જેમાં અમદાવાદ મંડલના ૮૮ સ્ટેશનોએ આ સુવિધા ઉપલબ્ધ બની છે. મુંબઇ મંડલના ૯૦ સ્ટેશન, વડોદરા મંડલના ૭ર સ્ટેશન, રતલામના ૯૮, રાજકોટના પ૦ તથા ભાવનગરના ૭૦ સ્ટેશનો વાઇફાઇની સુવિધાયુકત બન્યા છે. આ સ્ટેશનો ઉપર યાત્રીઓ નિઃશુલ્ક  વાઇફાઇનો ઉપયોગ કરી શકે છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી મુજબ પ.રે.ના ૪૬૮ સ્ટેશનોને મફત હાઇ સ્પીડ વાઇફાઇ ઇન્ટરનેટ કનેકવટીવીટી સાથે જોડવામાં આવ્યા છે. જેથી પશ્ચિમ રેલ્વેના લગભગ પરપ૪ રૂટ કિલોમીટર ઓપ્ટીકલ ફાઇબર કેબલથી કવર કરાયા છે. સાથે જ સ્ટેશનો ઉપર ઓએફસીનું ૮૮ ટકા જેટલુ કામ પણ પુર્ણ થઇ ચુકયું છે.

તેમણે વધુમાં જણાવેલ કે ફ્રિ વાઇફાઇના કારણે ઉપયોગકર્તામાં પણ વૃધ્ધી થઇ રહી છે. આ પરીયોજનાને રેલવે સ્ટેશનોને ડીઝીટલાઇઝેશન હબમાં બદલવાના મિશનના રૂપમાં લેવામાં આવ્યા છે. ડીઝીટલ ઇન્ડીયા પહેલને લાગુ કરવાની રેલવેની મીની રત્ન પીએસયુ 'રેલ ટેલ'ને જવાબદારી સોંપવામાં આવી છે.

રેલ ટેલ રેલવયારના બ્રાંડ નેમ સાથે અત્યાધુનીક સાર્વજનીક વાઇ ફાઇ આપી રહયું છે. રેલ ટેલે ભારતમાં અત્યાર સુધીમાં ૬૦૭૦ થી વધુ સ્ટેશનો ઉપર આ સુવિધાનો પ્રારંભ કરી દીધો છે.

ભારતીય રેલ્વેમાં પહેલીવાર ફ્રિ વાઇફાઇની સુવિધાની શરૂઆત પશ્ચિમ રેલવેના મુંબઇ સેન્ટ્રલ સ્ટેશનથી કરવામાં આવેલ. ભારતીય રેલવેના બધા સ્ટેશનો (હોલ્ટને છોડીને) ઉપર વાઇ-ફાઇ આપવાની યોજના છે. કેટલાક સ્ટેશનો ઉપર જ આ કામ બાકી છે. વર્ષ ર૦૧પના રેલ્વે બજેટમાં પરિકલ્પીત સ્ટેશનો ઉપર મફત વાઇ-ફાઇ ઇન્ટરનેટ સુવીધા આપવાની પરીયોજનાના ઉદ્રેશ્યથી આખા ભારતમાં રેલ્વે સ્ટેશનોએ મફત વાઇ ફાઇની સુવીધા આપવાની છે.

જે અંતર્ગત દુર દુરના ગામોમાં સ્થિત નાના સ્ટેશનો પણ સામેલ કરાયા છે. સ્ટેશને આવતા-જતા લોકો આ સુવીધાનો ઉપયોગ હાઇ ડેફીનેશન (એચડી) વિડીયો સ્ટ્રીમીંગ, મુવી, ગીતો, ગેમ ડાઉનલોડ કરવા અને પોતાની ઓફીસનું ઓનલાઇન કામ કરવા માટે કરી શકે છે.

ઇન્ટરનેટનો સીમીત પહોંચવાળા વિસ્તારોના વિદ્યાર્થીઓ વિશેષ રૂપે યુપીએસસી, આરઆરબી, આરઆરસી અને એસએસસી ઉમેદવાર પોતાની તૈયારી માટે સ્ટેશનની વાઇ-ફાઇ સુવીધાનો મફત ઉપયોગ કરી શકે છે. ઉપરાંત યાત્રીઓ પોતાના મોબાઇલ- લેપટોપ કે અન્ય ગેઝેટથી મનોરંજન માટે પણ ફ્રિ વાઇફાઇનો ઉપયોગ કરી શકશે.

(3:42 pm IST)