Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર આવે તેવા એંધાણ દેખાય છે પરંતુ ત્રીજી લહેર મામલે રાજ્‍ય સરકાર સજ્જ-હોસ્‍પિટલમાં આઇસીયુ બેડ સહિત તમામ વ્‍યવસ્‍થા કરાઇ છેઃ ગુજરાતના આરોગ્‍ય મંત્રી ઋષિકેશ પટેલ

આરોગ્‍ય મંત્રીના નિવુદન બાદ હવે કોરોના નિયમોનું પાલન કરવુ ખૂબ જ જરૂરી બની ગયુ

મહેસાણા: રાજ્યમાં કોરોના વાયરસના વધતા કેસ અને ઓમિક્રોનના ખતરા વચ્ચે ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. રાજ્યમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઇને અનેક ધારણાઓ કરવામાં આવતી હતી, ત્યારે રાજ્યના આરોગ્યમંત્રીએ મહેસાણામાં આ વિશે ખુલાસો કર્યો છે. એક તરફ હવે ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે. કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે હવે ખુદ આરોગ્યમંત્રી ખુદ ત્રીજી લહેર આવે તેવી શક્યતા જણાવી રહ્યા છે. જેથી હવે કોરોના નિયમોનું પાલન ખુબ જરૂરી બની ગયું છે.

ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર આવે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. પરંતુ ત્રીજી લહેર મામલે રાજ્ય સરકાર સજ્જ છે. હોસ્પિટલમાં આઇસીયું બેડ સહિત તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. ત્રીજી લહેર આવે તો તેની સામે આરોગ્યલક્ષી તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા એક એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ એપ્લિકેશનની મદદથી તમારી નજીકની કઇ હોસ્પિટલમાં બેડ ખાલી છે તેની માહિતી મળશે. ઓક્સિજન બેડ સહિત તમામ માહિતી આ એપ્લિકેશનની મદદથી લોકોને મળી રહેશે. નાગરિકોને હોસ્પિટલ શોધવા માટે અગવડ ના પડે તેવી વ્યવસ્થા આ એપમાં કરાઈ હોવાની વાત જણાવી છે. આજે સાંજે મુખ્યમંત્રી ધ્વારા આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેરના એંધાણ વચ્ચે કોરોના ગાઈડ લાઈનનું પાલન ખુબ જ જરૂરી હોવાનું દર્શાવ્યું છે. તેમણે કહ્યું કે સરકારી કાર્યક્રમોમાં કોરોના ગાઈડલાઈનનુ પાલન કરવામાં આવે છે. ગાઈડ લાઈનનું પાલન થાય તે રીતે જ કાર્યક્રમોનું આયોજન કરાય છે. માત્ર ફોટોગ્રાફી કરવા પૂરતું જ માસ્ક નીકળવામાં આવતુ હોય છે. તમામ લોકોએ કોરોના ગાઈડ લાઈનનુ પાલન કરવું જોઈએ એ જરૂરી છે.

અત્રે નોંધનીય છે કે, થોડા સમય પહેલા આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે, હાલમાં રાજ્યમાં ICU વિથ વેન્ટિલેટર સાથેના 6551 બેડ ઉપલબ્ધ છે. 6298 ICU બેડ, 48744 ઓક્સિજન બેડ, 19763 જનરલ બેડની વ્યવસ્થા કરાઈ છે. સાથે જ બાળકો માટે 597 વેન્ટીલેટર, 1061 ICU, 3219 ઓક્સિજન અને 2342 જનરલ બેડની વ્યવસ્થા ઉભી છે. રેમડેસિવીરનો 334973 સ્ટોક ઉપલબ્ધ છે. એમ્ફોટેરિસીન બી, ટોસિલિઝુમેબ, ફેવિપીરાવીર ટેબનો પૂરતો સ્ટોક છે. રાજ્યમાં 121 RTPCR લેબોરેટરી ઉપલબ્ધ છે. જેમાં 58 સરકારી અને 63 પ્રાઇવેટ લેબોરેટરી છે. ગુજરાતમાં 93.3 ટકા લોકોને વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તો રાજ્યમાં હજુ પણ 3326794 લોકોને પ્રથમ ડોઝ આપવાનો બાકી છે. કુલ 40,31,455 લોકોને બીજો ડોઝ આપવાનો બાકી છે.

અત્રે નોંધનીય છે કે કોરોનાની ત્રીજી લહેરની આશંકાની વચ્ચે કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે કેન્દ્ર સરકારે નવી ગાઈડ લાઈન પ્રમાણે અમલ કરવા રાજ્ય સરકારને સૂચના આપી છે. આ ગાઈડ લાઈન પ્રમાણે સોસાયટીઓમાં પોઝિટિવિટી રેટ 10 ટકા કરતા વધુ હશે તો સ્થિતિ અતિગંભીર ગણવામાં આવશે. જ્યારે કન્ટેઈન્મેન્ટ ઝોનમાં 40 ટકા કરતા વધુ લોકો સંક્રમિત થાય તો ગંભીર સ્થિતિ ગણવામાં આવશે...સાથે જ જરૂર પડે ત્યાં ક્લસ્ટર અને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન માટે પણ સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત હોસ્પિટલોમાં દવા અને પૂરતી સંખ્યામાં સ્ટાફ રાખવા તેમજ હોસ્પિટલ સ્ટાફને પુરતી તાલીમ આપવા આરોગ્ય વિભાગને સૂચના આપવામાં આવી છે.

(5:01 pm IST)