Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

ગાંધીનગર જિલ્લાના હાઇવે નજીક અજાણ્યા ટ્રકચાલકે હડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ગાંધીનગર જિલ્લાના હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ચિલોડા ગાંધીનગર માર્ગ ઉપર આજે સવારના સમયે દશેલા ગામના યુવાનને અજાણ્યો ટ્રકચાલક અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો અને ગંભીર ઈજાઓના કારણે આ યુવાનનું મોત નીપજયું હતું. આ અકસ્માતની ઘટના અંગે ચિલોડા પોલીસે ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા ટ્રકચાલકને શોધવા માટે દોડધામ શરૃ કરી છે.   

ગાંધીનગર જિલ્લાના આંતરિક માર્ગોની સાથે હાઈવે માર્ગો ઉપર અકસ્માતના બનાવો વધ્યા છે અને તેમાં પણ ખાસ કરીને હીટ એન્ડ રનની ઘટનાઓએ માથુ ઉંચકયું છે. વાહનચાલકો અકસ્માત સર્જીને ભાગી જવામાં સફળ થઈ રહયા છે જો કે ગુના નોંધાવા છતાં આવા વાહનચાલકો પોલીસની પકડમાં આવતાં નથી. ત્યારે ચિલોડા-ગાંધીનગર માર્ગ ઉપર આજે સર્જાયેલા વધુ એક હીટ એન્ડ રનના અકસ્માતમાં દશેલાના યુવાનનું મોત નીપજયું છે. આ ઘટના અંગે દશેલા ગામે મોતીપુરા વાસમાં રહેતાં જગદીશભાઈ રામાજી ઠાકોરે ફરીયાદ નોંધાવી હતી કે તેઓ રીક્ષા ચલાવે છે. આજે સવારના અગિયાર વાગ્યે તે ચિલોડાથી સાદરા રોડ ઉપર રીક્ષા લઈને ઉભા હતા તે દરમ્યાન અન્ય રીક્ષાચાલકે કહયું હતું કે ચિલોડાથી ગાંધીનગર જતાં રોડ ઉપર સેતુ સ્કવેયર કોમ્પલેક્ષ નજીક અકસ્માત થયો છે જેથી તેઓ આ અકસ્માત જોવા ગયા હતા તે દરમ્યાન એક ભાઈ રોડ ઉપર લોહીલુહાણ હાલતમાં પડેલા હતા. નજીક જઈને જોતાં તે તેમનો જ પિતરાઈ ભાઈ દશેલા ગામનો ૩પ વર્ષીય ભરતજી બાબુજી ઠાકોર હોવાનું બહાર આવ્યું હતું. ગંભીર ઈજાઓના કારણે આ યુવાનનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું. અકસ્માત સંદર્ભે પુછતાં કોઈ અજાણ્યો ટ્રકચાલક અકસ્માત સર્જીને ભાગી ગયો હોવાનું બહાર આવ્યું હતું. હાલ તો ચિલોડા પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને ફરાર ટ્રકચાલકને શોધવા માટે મથામણ શરૃ કરી છે. 

(7:45 pm IST)