Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

વડોદરામાં પીવાના પાણીની પાઇપલાઇનમાં લીકેજ થવાથી હજારો લીટર ચોખ્ખું પાણી વેડફાયું

 

વડોદરા:શહેરમાં પીવાની પાણીની લાઈનમાં લીકેજ થવાના બનાવો વધી રહ્યા છે, જેના કારણે રોજનું હજારો લિટર ચોખ્ખું પાણી વેડફાય રહ્યું છે. ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારમાં આ સમસ્યા નિયમિત બની ગઈ છે. અઠવાડિયા સુધી લાઇન લીકેજ નું રીપેરીંગ તંત્રના સંકલનના અભાવને કારણે હાથ ધરી શકાતું નથી. જેથી લોકોને પાણી પણ પ્રેશરથી મળતું નથી અને બીજી બાજુ પાણી નિરર્થક રોડ ઉપર નકામું વહી જાય છે .વોર્ડ નંબર 9માં આજવારોડ બહાર કોલોની ,રામ પાર્ક પાસે  શુદ્ધ પાણી નું લીકેજ થવાના કારણે  પાણી વેડફાઇ રહ્યું છે. 

આ વિસ્તારના સામાજિક કાર્યકર ના કહેવા મુજબ  પાણી લીકેજ હોવા છતાં કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ આંખ આડા કાન કરતા હોય તેમ લાગી રહ્યું છે. કોર્પોરેશન માં આંતરિક સંકલનના અભાવે રીપેરીંગ કામ તાત્કાલિક હાથ ધરી શકાતું નહીં હોવાથી પાણી નો વેડફાટ છેલ્લા અઠવાડિયા થી થઇ રહ્યો છે. હાલ શિયાળાના સમયમાં પાણીનો વપરાશ ઓછો રહેવાથી બહુ રાડ પડતી નથી ,પરંતુ આવનાર સમય માં પીવાના પાણીના ધાંધિયા આવા લીકેજના બનાવો રોકવામાં નહીં આવે તો વધી જશે. કોર્પોરેશન માં વારંવાર  સ્થાનિક નાગરિકો દ્વારા લીકેજ ના બનાવો બને તો તાત્કાલિક રીપેરીંગ હાથ ધરાતું નથી તે મુદ્દે રજુઆત કરવા છત્તા પણ કોર્પોરેશન ના અધિકારીઓ બેદરકારી રાખી રહ્યા છે. સામાજિક કાર્યકર એ સ્થળ પર જઈને તપાસ કરીને જોયું ત્યારે હકીકત જોવા મળી કે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત જે કામો ચાલી રહ્યા છે તેમાં એક જગ્યા ઉપર વારંવાર ખોદકામ કરી રહ્યા હોય લાઈન લીકેજ ના બનાવો બન્યા કરે છે . સ્થાનિક કોર્પોરેટરોની પણ લીકેજ મુદ્દે બેદરકારી જોવા મળી રહી છે. જોકે આજે બપોરે કોર્પોરેશનનું સંબંધિત તંત્ર લીકેજ રિપેરિંગની કામગીરી માટે રવાના થયું હોવાનું જાણવા મળ્યું હતું.

(7:52 pm IST)