Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

આજથી રાત્રિ કરફયૂમાં ૧ કલાકની રાહત

૩૬ શહેરોમાં કરફ્યૂનો સમય ઘટાડાયો છેઃ જેનો અમલ આજ રાતથી થશે : વેપારીઓને કોઈ છૂટછાટ હાલ નથી અપાઈઃ તેમનો સમય રાબેતા મુજબનો જ રહેશે

અમદાવાદ, તા.૨૮: એક દિવસ પહેલા ગુજરાતમાં રાત્રિ કરફ્યૂમાં સમય ઘટાડાની જાહેરાત કરાઈ હતી. જેનો અમલ આજે ૨૮ મેના રોજ રાતથી શરૂ થશે. ગુજરાતના ૩૬ શહેરોમાં આજ રાતથી કરફ્યૂનો સમય રાત્રે ૯ વાગ્યાથી લઈને સવારે ૬ વાગ્યા સુધીનો રહેશે. અગાઉ કરફ્યૂનો સમય ૮ થી ૬ સુધીનો હતો, જે બદલીને હવે ૯ થી ૬ નો કરાયો છે. 

એક દિવસ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતાએ કેબિનેટ બેઠક મળી હતી. જેમાં રાત્રિ કરફ્યૂમાં મુકિત અંગે નિર્ણયો લેવામાં આવ્યો હતો. ગુજરાતના ૩૬ શહેરોમાં રાતના ૮ વાગ્યા સુધી કર્ફ્યુ હતો, તેનો સમય ઘટાડીને ૯ વાગ્યાનો કરવામાં આવ્યો છે. હવે રાત્રે ૯ વાગ્યે કરફ્યૂ શરૂ થશે. રાત્રિ કર્ફ્યુમાં એક કલાકની છૂટછાટ આપવામાં આવી છે. જેનો અમલ ૨૮ મેના રોજથી કરવામાં આવશે. જોકે, સાથે જ સરકારે કહ્યું કે, વેપારીઓને કોઈ છૂટછાટ હાલ નથી અપાઈ. તેમનો સમય રાબેતા મુજબનો જ રહેશે.

કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, એપ્રિલ મહિનામાં આપણે ખૂબ સંદ્યર્ષ કર્યો છે. કોરોનોમાં પણ વ્યાપક કામગીરી કરવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાના કેસોને નિયંત્રણ કરવામાં સરકાર સફળ રહી છે. ૩૦૦૦ કેસ પર પહોંચી ગયા છે. દિવસેને દિવસે કેસ ઘટી રહ્યાં છે. તેથી જ આવતીકાલથી રાત્રિ કરફ્યૂના સમયને ૯ વાગ્યા સુધી કરાયો છે. હવેથી ગુજરાતના ૩૬ શહેરોમાં રાત્રે ૯ થી ૬ સુધી કરફ્યૂ રહેશે. ૨૮ મેના રોજથી નવા નિયમો અમલી બનશે. જે રીતે કેસ દ્યટી રહ્યા છે તે રીતે સરકાર દ્વારા નિયંત્રણો પર પણ છૂટછાટ આપવામાં આવી રહ્યા છે.

સાથે જ મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, ગુજરાતમાં વેપારીઓના સંદર્ભમાં છૂટછાટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમનો બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય રહેશે. ગુજરાતમાં દુકાનો સવારે ૯ થી બપોરે ૩ વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકાશે.

સાથે જ તેમણે કહ્યું કે, ત્રીજી લહેરને પહોંચી વળવા માટે ગુજરાતમાં તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે. આમ, ગુજરાતના નાગરિકોને રાત્રિ કરફ્યૂમાં એક કલાકની મુકિત મળી છે. ત્યારે સરકાર આગામી સમયમાં વધુ છૂટછાટ આપે તેવી શકયતા નકારી શકાય નહિ.

(11:43 am IST)