Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

સુરતમાં બૂટલેગરના પ્રસંગમાં પોલીસ મહેમાન બની ત્રાટકી

વિડીયો વાયરલ થતા કાર્યવાહી કરી કોરોના ગાઇડલાઇનનો ઉલાળિયો, કર્ફ્યુની વચ્ચે મોટી સંખ્યામાં લોકોને બોલાવી નિયમોના ધજાગરા ઉડાવ્યા

સુરત ,તા.૨૮ : સુરતમાં પોલીસ ઇન્સપેક્ટરના વિદાય સમારંભની ઘટનાની શાહી સૂકાઈ નથી ત્યાં ફરી એકવાર એક સ્વરૂચી ભોજનના પ્રસંગોનો વીડિયો વાયરલ થયો છે. જોકે, પહેલો પ્રસંગ પોલીસનો હતો હવે બૂટલેગરનો પ્રસંગ છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં એક નામચીન બૂટલેગરના લગ્ન પ્રસંગમાં કોરોના ગાઇડલાઇન કરતાં વધુ મહેમાનો એકઠા થયા હતા. જોકે, સ્થાનિકોએ વીડિયો વાયરલ કરતાં આખરે ફરજિયાતપણે ખાખી મહેમાન ત્રાટક્યા હતા. જોકે, આ પ્રસંગમાં સુરતની પાંડેસરા પોલીસને ફરજિયાતપણે ત્રાટકવું પડ્યુ હતું. એક તરફ રાત્રિ કર્ફ્યૂના નિયમોથી છટકવા માટે લોકો શહેરથી દૂર ગામડામાં પ્રસંગ કરતા હોય છે ત્યારે પાંડેસરાના નામચીન બૂટલેગર કે જેના પર કથીત રીતે પોલીસના જ એક 'ખાસ માણસ'નો હાથ છે તેના પ્રસંગમાં વધુ સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

        આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા કૂંડી ગામે જ્યાં આ જમણવાર થઈ રહ્યો હતો ત્યાં પોલીસ ત્રાટકી હતી. પહેલા પોલીસની પોતાના જ પ્રસંગમાં વિવાદ થયો જ્યારે આ વખતે નિશાને બૂટલેગર હતો. જોકે, પોલીસે આ વખતે ચુક કરી નહોતી. મોકાની નજાકતને જોતા પોલીસ આ પ્રસંગમાં ૧૦ વ્યક્તિની અટકાયત કરી સાથે સાથે બૂટલેગર સામે ગુનો દાખલ કર્યો હતો. જોકે અહીંયા પ્રશ્ન એ છે કે સામાન્ય માણસને લગ્ન કરવા હોય તો પોર્ટલ પર જઈને પરવાનગી લેવી પડે, કંકોતરીઓ પુરાવા તરીકે આપવી પડે ત્યારે એક બૂટલેગરની 'માંગલિક મહેફિલમાં પોલીસને છેક સુધી માહિતી ન મળે તે વાત પણ લોકોને આશ્ચર્ય પમાડે છે. જોકે, પોલીસે અંતે કાયદસેરની કાર્યવાહી કરતા મામલો થાળે પડ્યો છે પરંતુ આ પ્રસંગે પોલીસને દોડતી કરી નાખી એમાં પણ બે મત નથી. સિગણપોર પોલીસ સ્ટેશનના પીઆઈની બદલી થતાં તેનો વિદાય સમારંભ ફાર્મ હાઉસમાં  રાખવામાં આવ્યો હતો. જ્યાં ૧૦૦ કરતા વધુ લોકોને એકત્ર કરીને કોરોનાના નિયમોના ધજાગરા ઉડ્યા હતા. અને આનો વીડિયો વાયરલ થતાં પોલીસ કમિશ્નરે તાત્કાલિક અસરથી પગલાં લેતા પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કર્યા હતા.

(8:55 pm IST)