Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

રાજ્યની ત્રણ નગરપાલિકામાં ડ્રેનેજ પાણી સહિત ભૂગર્ભ ગટર યોજનાના કામો માટે રૂ. 114.68 કરોડ મંજૂર કરતા મુખ્યમંત્રી

ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા મુખ્યમંત્રી સમક્ષ આ સંદર્ભમાં જે દરખાસ્તો રજુ કરાઈ હતી જેમાં વાપી, ભરૂચ અને મુંદ્રા-બારોઈ નગરપાલિકાના કામોનો સમાવેશ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે રાજ્યના નગરોમાં વસતા નગરજનોની સુવિધા અને સુખાકારીમાં વૃદ્ધિ કરવાના અભિગમથી ત્રણ નગરપાલિકાઓને નાગરિક સુવિધાના કામો માટે કુલ 114.68 કરોડ રૂપિયાના કામો હાથ ધરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા મુખ્યમંત્રી સમક્ષ આ સંદર્ભમાં જે દરખાસ્તો રજુ કરવામાં આવી હતી, તેમાં વાપી, ભરૂચ અને મુંદ્રા-બારોઈ નગરપાલિકાના કામોનો સમાવેશ કરવામાં આવેલો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે વાપી નગરપાલિકાને વરસાદી પાણીની વ્યવસ્થા સ્ટ્રોમ વોટર ડ્રેનેજના રૂ. 36.52 કરોડના કામો માટે મંજૂરી આપી છે. વાપી નગરપાલિકા વિસ્તારમાં દર વર્ષે આશરે એવરેજ 100 ઈંચ જેટલો વરસાદ પડે છે. પરિણામે 2થી 3 ફૂટ જેટલો પાણીનો ભરાવો થાય છે અને પૂર્વ વિસ્તારના રહેવાસીઓના ઘરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા રહે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ સમક્ષ આ સમસ્યાના નિવારણ રૂપે વાપી નગરપાલિકા દ્વારા GUDM મારફતે રજૂ થયેલી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ માટેની દરખાસ્તને તેમણે મંજૂરી આપી છે. આ દરખાસ્ત મંજૂર થતાં હવે વાપી નગરપાલિકા સ્ટ્રોમ વોટર ડ્રેનેજના કામો હાથ ધરશે અને નાગરિકોના ઘરોમાં થતો પાણીનો ભરાવો અટકશે તથા જાનમાલનું નુકશાન પણ બચી જશે.

મુખ્યમંત્રીએ આ ઉપરાંત કચ્છની મુંદ્રા-બારોઈ નગરપાલિકાની ભૂગર્ભ ગટર યોજનાના કામો માટેની રૂ. 83.79 કરોડની દરખાસ્ત પણ મંજૂર કરી છે. આ નગરોની આગામી વર્ષ 2052ની વસ્તીની રોજની 12.11 એમ.એલ.ડી સીવેજ જનરેશનની સંભાવના ધ્યાનમાં રાખીને ભૂગર્ભ ગટર યોજનાના કામોનું આયોજન કરવામાં આવેલું છે

(11:33 pm IST)