Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

ભાજપે ગાંધીનગરની કલોલ, માણસા, ગાંધીનગર ઉત્તર બેઠક માટે ઉમેદવારોની પસંદગી કરવા સેન્સ લીધી

ગાંધીનગરની પાંચ બેઠક પૈકી ત્રણ બેઠક માટે નિરીક્ષકોએ ઉમેદવારોને સાંભળ્યા

અમદાવાદ :  ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ભાજપે ઉમેદવારોની પસંદગી માટે નિરીક્ષકો દ્વારા કાર્યકરોની સેન્સ લેવાનું શરૂ કર્યુ છે. જેમાં ગાંધીનગરની કલોલ, માણસા, ગાંધીનગર ઉત્તર બેઠક માટે સેન્સ લેવામાં આવી. ગાંધીનગરની પાંચ બેઠક પૈકી ત્રણ બેઠક માટે નિરીક્ષકોએ ઉમેદવારોને સાંભળ્યા હતા. જ્યાં કલોલ વિધાનસભા બેઠક માટે પૂર્વ પ્રધાન આર.સી.ફળદુ, ઉદય કાનગડ અને નિમુ બાંભણિયાએ ટિકિટ વાંચ્છુક ઉમેદવારોના સેન્સ લીધા હતા. જેમાં ત્રણ નિરીક્ષકોએ કલોલ બેઠક માટે દાવેદારો સાથે મંથન કર્યુ હતુ.

કલોલ બેઠક માટે બે ટર્મથી કોંગ્રેસના બળદેવજી ઠાકોર વિજેતા બને છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સંસદીય મત વિસ્તારમાં આવતી કલોલ બેઠક જીતવા ભાજપે ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કલોલ બેઠક પર ભાજપના 30થી વધારે દાવેદારોએ ટિકિટની માગણી કરી છે. પાટીદાર અને ઠાકોર મતદારોની બહુમતી ધરાવતી કલોલ બેઠક પર ભાજપના સૌથી વધારે પાટીદાર આગેવાનો ચૂંટણી રણમાં ઉતરવા ઈચ્છુક છે.

પાટણના પ્રભારી અને કલોલ RSS સાથે જોડાયેલ ભાજપના નેતા ગોવિંદ પટેલ પણ રેસમાં છે તો ગાંધીનગર જિલ્લા પંચાયતના ચેરમેન અને મોખાસણમાં 20 વર્ષ કરતા વધારે સરપંચ પદે રહેનાર અનિલ પટેલે ટિકિટ માગી છે. પૂર્વ ધારાસભ્ય ડૉ. અતુલ પટેલ, કલોલ નગરપાલિકાના પ્રમુખ ઉર્વશી પટેલ, APMCના પૂર્વ ચેરમેન નવીન પટેલ રેસમાં છે. કલોલ બેઠકથી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રામાજી ઠાકોર, કલોલ ભાજપના કોષાધ્યક્ષ બકાજી ઠાકોરે પણ ચૂંટણી મેદાનમાં ઉતરવા મન બનાવ્યું છે. કલોલ બેઠક પર 30થી વધુ દાવેદારો રેસમાં હોવાથી ભાજપના મોવડી મંડળ માટે પણ ઉમેદવારોની પસંદગી કરવી કસોટીરૂપ બનશે.

(12:46 am IST)