Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

સુરતમાં પોલીસે 59 લાખના ડ્ર્ગ્સના જથ્થા સાથે વોન્ટેડ આરોપીને રંગે હાથે ઝડપી પાડયો

સુરત: શહેરમાં ચાલતા નશાના કાળા કારોબાર સામે પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે. ડ્રગ્સનું દૂષણ સુરતની હવામા વધુ ફેલાય તે અગાઉ જ ડ્રગ્સના જથ્થા સાથે આરોપીઓને ઝડપી લેવાની સુરત પોલીસની 'નો ડ્રગ્સ ઇન સુરત' મુહિમ રંગ લાવી રહી હોય તેમ દિવાળી અગાઉ સચિનના કપ્લેથા ચેકપોસ્ટ પાસેથી 59 લાખના ડ્રગ્સ સાથે ચાર આરોપી ઝડપાયા હતા. ત્યારે હવે પોલીસ દ્વારા ડ્રગ્સનો જથ્થો મગાવનાર વોન્ટેડ આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મુંબઈથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લઈ કારમાં હેરાફેરી કરતા સુરતના કોટ વિસ્તારના ચાર ઇસમોને કપ્લેથા ચેક પોસ્ટ પાસેથી ઝડપી પાડી. તેમની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ વજન 590 ગ્રામ કિમત 59 લાખ/- તેમજ રોકડ રૂપીયા,સ્વીફ્ટ કાર તથા મોબાઈલ ફોન મળી કુલ્લે 66.67 લાખની કિમંતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ હતો. આરોપીઓની ઉંડાણપૂર્વકની પૂછપરછમાં જણાયું હતું કે, આ ડ્રગ્સનો જથ્થો સુરતના અલગ અલગ વિસ્તારમાં રહેતા વ્યક્તિઓને આપવાનો હતો. જેથી ગુનામાં ટોપથી બોટમ સુધી સંડોવાયેલ તમામ આરોપીઓને તાત્કાલીક ઝડપી પાડવા કામગીરી કરવામાં આવી હતી. ​​​​​​​એસ.ઓ.જી.ના માણસો વોન્ટેડ આરોપીઓ બાબતે ટેકનીકલ અને હ્યુમન સોર્સીસ દ્વારા તપાસ કરતા હતા.તે દરમ્યાન વોન્ટેડ આરોપી બાબતે ખાનગી રાહે વોચ રાખેલ અને તે દરમ્યાન મળેલ બાતમી આધારે વોન્ટેડ આરોપી નામે શોહેલ શૌકત સૈયદ (કાદરી) ઉ.વ. 35ને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આરોપીની ઉંડાણપૂર્વક પૂછપરછ કરી તેની જેવા અન્ય કોણ-કોણ ઈસમો નાર્કોટીક્સની પ્રવૃતિમાં સંડોવાયેલ છે અને તેઓ કઇ રીતે ડ્રગ્સનુ ડિસ્ટ્રીબ્યુશન કરે છે તે અંગે પૂછપરછ ચાલુ છે. નાર્કોટીક્સની પ્રવૃતિમાં સંડોવાયેલ ઈસમો વિરૂધ્ધ સુરત શહેર પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવનાર છે. આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને આગળની કાર્યવાહી અર્થે સચીન પોલીસ સ્ટેશનને કબ્જો સોપેલ છે.

(5:35 pm IST)