Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

ગાંધીનગરના નવા પીપળજ નજીક ચાર મકાનને નિશાન બનાવી તસ્કરોએ ચાર મકાનના તાળા તોડયા:96 હજારની મતાની ઉઠાંતરી થતા ગુનો દાખલ

ગાંધીનગર: શહેરના નવા પિંપળજ ગામે આવેલા શપનવીલા રો હાઉસમાં તસ્કરો ત્રાટક્યાં હતા. એકસાથે ચાર મકાનોના તાળા તોડી બે મકાનમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ રૂ. 96 હજારની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા. જેથી ફરિયાદ પેથાપુર પોલીસ મથકમાં નોંધવામાં આવી છે. ગાંધીનગરમાં તહેવારો દરમિયાન તસ્કરોને મોકળુ મેદાન મળી ગયું હોય એમ એક પછી એક બંધ મકાનના તાળા તોડી તરખાટ મચાવી મિલ્કત સંબંધી ગુનાઓ આચરી સિફતપૂર્વક પલાયન થઈ જવાની ઘટનાઓએ માઝા મૂકી દીધી છે. સરગાસણમાં સૌદર્ય - 444 માં પાંચ મકાનના તરખાટ મચાવ્યાં પછી નવા પિંપળજ ગામે આવેલા શપનવીલા રો હાઉસમાં પણ ચાર મકાનોના તાળા તૂટયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધવામાં આવી છે. ​​​​​​​ગાંધીનગરના નવા પિંપળજ શપનવીલા રો હાઉસ, મહર્ષી અત્રી તપોવન સ્કુલ સામે રહેતા વિજયસિંહ ભીખુસિંહ ચાવડા ભદ્ર કોર્ટમાં પટાવાળા તરીકે નોકરી કરે છે. ગઇ તારીખ 23 મી ઓક્ટોબરના રોજ સાંજના સાતેક વાગ્યાના સુમારે તેઓ મકાન બંધ કરીને પરીવાર સાથે વતન રંગપુર ખાતે દિવાળી કરવા માટે ગયા હતા અને ગઈકાલે ગુરૃવારે ઘરે પરત ફર્યા હતા.

(5:35 pm IST)