Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

દહેગામ હાઇવે નજીક બસ-કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક શખ્સનું કમકમાટીભર્યું મોત:બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત

દહેગામ બાયડ રોડ ઉપર બસ અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું ઘટનાસ્થળે કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે બે વ્યક્તિને શરીરે વધતી ઓછી ઈજાઓ થઈ હતી. આ અંગે રખીયાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છેદહેગામના અહમદપુરા ગામે રહેતાં વિનુજી દોલાજી ઠાકોર ગઈકાલે સાંજના સમયે ગામના ઝાલા રમેશજી ભેમાજી તથા સંજય પરબતસિંહ ઝાલા ત્રણેય ઇકો ગાડી લઈને ફાગવેલ જવા માટે નીકળ્યા હતા. એ વખતે ઈકો ગાડી રમેશજી ભેમાજી ઝાલા ચલાવતાં હતાં અને બાજુની સીટમાં વિનુજી અને પાછળની સીટમાં સંજય ઝાલા બેઠો હતો. આ દરમિયાન આશરે સાડા સાત વાગ્યાના સુમારે બાયડ દહેગામ હાઇવે પર સાપા ગામની સીમમાં કેવિન હોટલ આગળ પહોંચ્યા હતા. એ વખતે બાયડ બાજુથી બસનો ચાલક બસ પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લાવી ઈકો ગાડીને આગળના ભાગે ધડાકાભેર અથડાવી દીધી હતી. આ અકસ્માત થતાં જ ચાલક બસ મૂકીને ભાગી ગયો હતો.. બાદમાં એકઠી થયેલી ભીડે રમેશજી ઈકો ગાડીમાંથી બહાર કાઢ્યા હતા. જ્યારે વિનુજી અને સંજયને પણ ઈજાઓ થઈ હતી. 108 એમ્બ્યુલન્સને જાણ કરાતાં મેડિકલ ટીમ પહોંચી ગઈ હતી. અને રમેશજીને તપાસી મૃત જાહેર કર્યા હતા. જ્યારે બંને ઈજાગ્રસ્તોને 108 માં સારવાર અર્થે દહેગામ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે બસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:36 pm IST)