Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

વિસનગર તાલુકા પોલીસ મથકમાં રૂમમાં આગ ભભુકતા જુનો રેકોર્ડ થયો નાશ

વિસનગર: તાલુકા પોલીસ મથકમાં પોલીસ લોકઅપના પાછળ ભાગે આવેલ ઓરડીમાં કાળી ચૌદશની રાત્રે લાગેલી આગ એ પીપળાના સૂકા પાન પર ફટાકડાની આગ પડવાથી લાગી હોવાનું અનુમાન કરવામાં આવ્યું હતું. જેમાં લાગેલી આગમાં રૂમોમાં પડેલું જૂનું રેકર્ડ પાણીમાં પલળી અને બળી જવાથી નાશ થઈ જવા પામ્યું હતું. જેને લઇ વિસનગર શહેર પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી. તાલુકા પોલીસ મથકમાં અ.હેડ.કોન્સ તરીકે ફરજ બજાવતા નાસીરઅલી ઇમામઅલીએ હકીકતમાં જણાવ્યું હતું કે, તેઓ પી.એસ. ઓ તરીકે નોકરીમાં હતા. ત્યારે કાળી ચૌદશની રાત્રે કાગળ સળગવાની વાસ આવતી હોવાથી પોલીસ સ્ટેશનના લોક અપના પાછળના ભાગે આવેલ ઓરડીમાં જઈ તપાસ કરતા ઓરડીઓમાં ફીટ કરેલ લોખંડના પતરા પર પીપળાના પાન સુકાઈ ગયેલા હોય જેમાં આગ લાગતી હોવાથી પોલીસ સ્ટાફના માણસો તથા હોમગાર્ડ તેમજ જી.આર.ડી માણસો ભેગા મળી પાણીની ટાંકીમાંથી ડોલ વડે આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો. આગનું પ્રમાણ વધારે હોવાથી વિસનગર નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ફાઈટર આવી પાણીનો મારો ચલાવતા આગ કાબુમાં આવી ન હતી. બીજા ફાયર ફાઇટરને બોલાવી પાણીનો મારો કરતા આગ કાબુમાં આવી હતી. આગના કારણે બે રૂમોમાં પડેલું જૂનું રેકર્ડ પાણીથી પલળવાથી અને આગના કારણે બળીને ખાખ થઈ ગયું હતું. તેમજ લોકઅપના ઉપરના ભાગે છત પર ફીટ કરેલ પતરાના નીચેના ભાગે લાકડાનો મોભ પણ સળગી ગયો હતો. આગ એ તહેવાર દરમિયાન કોઈ માણસે ફટાકડા ફોડતા છત પરના સૂકા પીપળાના પાન પર પડતાં લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. આમ આગ લાગતા જૂના રેકર્ડ નાશ થઈ જવાથી વિસનગર શહેર પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:36 pm IST)