Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

વિરમગામ વિધાનસભા બેઠક માટે હાથ ધરાયેલી સેન્સ પ્રક્રિયા દરમિયાન કુલ ૪૮ લોકોએ ટિકિટની માંગણી કરી

ભાજપના જુના જોગીઓથી માંડીને નવા ચેહરાઓએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી : નગરપાલિકા ઉપપ્રમુખ, ફિલ્મ પ્રોડ્યુસર, પૂર્વ ધારાસભ્યો, પાટીદાર અનામત આંદોલનના ચેહરા રહેલા પાટીદાર યુવાઓએ અને ભાજપના સંગઠનમાં કામ કરનારા હોદ્દેદારોએ પણ ટિકિટ માંગી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીના ઉમેદવારો પસંદ કરવા ભારતીય જનતા પક્ષ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.અમદાવાદ ગ્રામ્ય જીલ્લાની વિરમગામ વિધાનસભા બેઠક માટે હાથ ધરાયેલી સેન્સ પ્રક્રિયા દરમિયાન કુલ ૪૮ લોકોએ ટિકિટની માગણી કરી હતી. ભાજપના જુના જોગીઓથી માંડીને નવા ચેહરાઓએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. નગરપાલિકા ઉપપ્રમુખ, ફિલ્મ પ્રોડ્યુસર, પૂર્વ ધારાસભ્યો , પાટીદાર અનામત આંદોલનના ચેહરા રહેલા પાટીદાર યુવાઓએ અને ભાજપના સંગઠનમાં કામ કરનારા હોદ્દેદારોએ પણ ટિકિટ માંગી છે.
વિરમગામ બેઠક માટે શુક્રવારે જેતલપુર એપીએમસીમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જુના જોગીઓની વાત કરીએ તો પૂર્વ ધારાસભ્ય પ્રાગજીભાઈ પટેલે પણ આગામી ચૂંટણી લડવા માટે નિરીક્ષકો સમક્ષ ઈચ્છા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય અને 2017માં ભાજપના ઉમેદવાર ડો.તેજશ્રીબેન પટેલે પણ ફરી ટિકિટ માંગી હતી. પાટીદાર અનામત આંદોલનના ચેહરા રહેલા વરુણભાઇ પટેલ અને ચિરાગભાઇ પટેલે પણ વિરમગામ બેઠક પર દાવેદારી નોંધાવી હતી. આ ઉપરાંત હાર્દિકભાઇ પટેલ માટે તેમના સમર્થકો દ્વારા ટિકિટ માગવામાં આવી હતી. દેત્રોજના યોગેશભાઇ પટેલ દ્વારા પણ પોતાની દાવેદારી રજૂ કરવામાં આવી હતી.
  અમદાવાદ જિલ્લા ભાજપના મહામંત્રી નવદીપસિંહ ડોડીયાએ પણ દાવેદારી નોંધાવી હતી. વિરમગામ નગરપાલિકાના ઉપપ્રમુખ દીપાબેન મિલનભાઇ ઠક્કર દ્વારા પણ દાવેદરી કરવામાં આવી હતી. તેમનું માનવું છે કે, મહિલાઓનું સન્માન ભાજપ કરે છે ત્યારે આગામી ચૂંટણીમાં મહિલા તરીકે પોતાને ટિકિટ મળે તેવી લાગણી છે. ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર દિવ્યા પટેલ દ્વારા પણ વિરમગામ બેઠક પર ચૂંટણી લડવા માગણી કરવામાં આવી હતી. પૂર્વ જિલ્લા પ્રમુખ આર સી પટેલ, શહેર ભાજપ પ્રમુખ નરેશભાઇ શાહ, હરિવંશભાઇ શુક્લ, ડો. મહેન્દ્રભાઇ જાદવ સહિતના ભાજપના નેતાઓ એ નોંધાવી દાવેદારી નોંધાવી હોવાનું જાણવા મળ્યું હતું. ગુજરાત વિધાનસભા ચૂંટણીની ઘડીઓ નજીક આવી રહી છે ત્યારે વિરમગામ વિધાનસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી દ્વારા કોને ટિકિટ ફાળવવામાં આવશે તે જોવાનું રહ્યું. વિરમગામ વિધાનસભા વિસ્તારમાં ટિકિટ કોને મળશે તે મુદ્દો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

(6:16 pm IST)